નગરસેવકો અને સરકાર સામે પ્રશ્નચિહ્ન
વર્ષ 1978માં સરકાર દ્વારા પાનમ યોજનાની ભાગીદારી સમાપ્ત કરવામાં આવી હતી
વડોદરા મહાનગર પાલિકા સામે મહીસાગર નદીમાંથી લેવામાં આવતાં પાણી માટે સિંચાઈ વિભાગે 4,600 કરોડથી વધુ રકમ ચૂકવવાની માગણી કરી છે. આ રકમ વર્ષોથી બાકી છે અને મૂળ 640 કરોડનું બિલ હવે વ્યાજ અને દંડની સાથે અનેક ગણા વધારા સાથે 4,600 કરોડને વટાવી ગયું છે. સિંચાઈ વિભાગે પાલિકાને અનેકવાર નોટિસ ફટકારી હોવા છતાં કોઈ ઠોસ પગલા લેવામાં આવ્યા નથી, જેના કારણે આ વિવાદ ઉગ્ર બન્યો છે.
વર્ષ 1971માં રાજ્ય સરકારની પાનમ યોજના હેઠળ મહીસાગર નદીમાંથી પાણી મેળવવા માટે વડોદરા કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ શહેર માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પરંતુ વર્ષ 1998માં ગુજરાત સરકાર દ્વારા આ ભાગીદારી સમાપ્ત કરી દેવામાં આવી, અને એ પછી વર્ષ 2005 સુધી પાલિકાએ બાકી ચૂકવણું કર્યું હતું. વર્ષ 2007માં સિંચાઈ વિભાગે ફરીથી વર્ષ 1998થી બાકી રકમનું બિલ ઊભું કર્યું, જે હાલમાં આશરે 4,696 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે.
6 મે 2008ના રોજ પાલિકાએ નિર્ણય કર્યો કે તે દર મહિને 5.14 લાખ રૂપિયું ચૂકવશે. તે પ્રમાણે ફેબ્રુઆરી 2024 સુધીમાં આશરે 11.15 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે. માર્ચ 2024થી અત્યાર સુધીના બિલની ચુકવણીની કામગીરી હાલ પ્રગતિ પર છે. મૂળ બાકી રકમ પર વધતા વ્યાજ અને દંડને કારણે આખું બિલ આશ્ચર્યજનક રીતે વધી ગયું છે.
વડોદરા માટે આજવા સરોવર મુખ્ય પાણી પુરવઠો છે, પરંતુ મહીસાગર નદીમાંથી પણ વધારાનું 388થી 400 MLD પાણી લેવામાં આવે છે.
વડોદરા કોર્પોરેશન આ મુદ્દે સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરી ચૂકી છે, પરંતુ હજુ સુધી કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો રાજ્ય સરકાર આ મામલાને ગંભીરતાથી હલ કરે, તો પાલિકાને આ ભારે નાણાંકીય બોજમાંથી મુક્તિ મળી શકે છે.
