Vadodara

વડોદરાની સિટી સર્વેની કચેરીમાં ભ્રષ્ટાચાર નો ભોરિંગ ફૂંફાડા મારે છે

પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવા 5થી 25 હજારથી વધુની રકમ અરજદારો પાસેથી પડાવે છે

મહેસુલ વિભાગમા પણ ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો પહોંચી ચુકી છે
વડોદરા:; વડોદરા શહેરના તમામ સિટી સર્વેની કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવા આવતા અલગ અલગ વોર્ડના અરજદારો બેફામ લૂંટાઈ રહ્યા છે. સિટી સર્વે કચેરીમાં મેન્ટેનન્સ સર્વેયરો હોય કે શિરસ્તેદારો પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરાવવા આવતા અરજદારોને જાત જાતના વાંધાઑ બતાવે છે. જે કાયદાની જોગવાઈઓમા જ નથી એવા અલગ અલગ પ્રકારના કાયદાઓ બતાવી ધરમ ધક્કા ખવડાવે છે. લાંબા અરસા સુધી ધક્કા ખાતા અરજદારોના પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવા આખરે હજારો રૂપિયાની ઉઘાડી લાંચ માંગવામાં આવે છે. તેમાં ખાસ કરીને હંમેશાં સક્રિય રહેતા વચેટિયા દલાલો અરજદારોને ચોખ્ખા શબ્દોમાં કહે છે કે તમે ધક્કા ખાશો તો પણ તમારું કામ નહીં થાય. અગર તમે કામ કરવા માંગો છો તો સાહેબ આટલા રૂપિયા માંગે છે. જે રકમ હજારોમાં જ નક્કી કરવામાં આવે છે. દલાલો એવું પણ સમજાવે કે આ રકમમાં થોડા જ મારા હશે, બાકીના અધિકારી કર્મચારીઓના હોય છે અને તો જ તમારું કામ થશે. અરજદાર આખરે થાકી હારી ગયા બાદ કંટાળીને કામ નહીં થતું હોવાથી લાંચના નાણા માટે હા પાડે છે. નાછૂટકે પૈસા હોય કે ના હોય પરંતુ દલાલ પૈસા આપી અધિકારીઓ કર્મચારીઓ સુધી પહોંચાડતા જ કામ થઈ ગયા છે .જેનો આર્થિક ફાયદો અધિકારી કર્મચારીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં લઈ રહ્યા છે. જ્યારે હાલમાં જ એક અરજદારે નામ નહીં આપવાની શરતે માહિતી આપી હતી તેણે જણાવ્યું હતું કે માંજલપુરમાં આવેલી મિલકતમાં મેં એક વોર્ડમાં પ્રોપર્ટી કાર્ડનું નામ ચડાવવાની કામગીરી અરજી કરી હતી થોડા સમય બાદ અધિકારીઓને મળતા તેમણે અરજીને દફતરે કરી નાખી હતી. મને એમ પણ કીધું હતું કે સાહેબ સાથે સંબંધ સાચવશો તો બધા પ્રકારના ફાયદાઓ જ છે. જ્યારે એમના દલાલે મને કીધું હતું કે 25 થી 35000 ની રકમ આપવાની તમારી તૈયારી હોય તો જ હું આગળ વાત કરું. આવી ખુલ્લેઆમ ભ્રષ્ટ કામગીરી સરકારી વિભાગમાં થઈ રહી છે. ત્યારે સામાન્ય જનતા ક્યાં જશે અને કોને પાસે ન્યાયની માગણી કરશે.
અત્રે ઉલ્લેખનીય છેકે સરકારના કમાઉ દીકરા મનાતા સિટી સર્વેની કચેરીઓમાં લાંચ રુશ્વતનું દુષણ એ હદે વધી ગયુ કે કે કોઈ પણ ટેબલ પર જાવ પૈસા વગર કોઈ જ કામ થતા નથી. સરકાર અને તેમનું તંત્ર ક્યારે પ્રજાની પીડા સમજાશે એવું નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top