‘વાઇટ કોલર’ બાબતે આસિસ્ટન્ટ કમિશનર સુધી અવગત છતાં પગલાં શૂન્ય!
વીએમસીના કેટલાક અધિકારીઓના મૌનથી ‘વાઇટ કોલર’નો દબદબો વધ્યો, કર્મચારીઓમાં તીવ્ર રોષ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ શાખામાં વર્ષોથી ચાલતી એક અનોખી પણ વિવાદાસ્પદ વ્યવસ્થાની હાલમાં ફરીથી ચર્ચા જાગી છે. આ વ્યવસ્થામાં “વાઈટ કોલર” તરીકે ઓળખાતા કેટલાક કર્મચારીઓ પોતે મૂળ તો સફાઈ કર્મચારી હોવા છતાં, વિધિવત ઓફિસર નહીં હોવા છતાં, ઇન્સ્પેક્ટર અને સુપરવાઈઝર જેવી કામગીરી કરતા જોવા મળે છે. “વાઈટ કોલરો” અંગે મ્યુનિસિપલ કર્મચારીઓ અને ઇન્સ્પેક્ટરો દ્વારા નામ ન જણાવવાની શરતે આપેલી માહિતી મુજબ, વર્ષો પહેલા જ્યારે સેનેટરી શાખામાં સ્ટાફની ઘટ હતી, ત્યારે કેટલાક હોશિયાર અને ભણેલા સફાઈ કર્મચારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવતી હતી. તેમની પસંદગી કોઈ લિખિત ઓર્ડરથી નહોતિ થતી, પરંતુ સ્થાનિક અધિકારીઓ અને વર્તમાન ઇન્સ્પેક્ટરોના સંકેતથી એવી જવાબદારી આપવામાં આવતી હતી કે, સફાઈનું કામ નહીં કરવાનું પણ અન્ય સફાઈ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવાની. સંસ્થામાં હવે ઘણા મલ્ટી પર્પજ વર્કર અને સબ સેનેટરી ઇન્સ્પેક્ટરોની ભરતી થવા છતાં, ઘણા વોર્ડમાં આજે પણ વાઈટ કોલરો હાજરી પુરે છે અને કામગીરી સંભાળી લે છે. નવી ભરતીના કર્મચારીઓને ઘણીવાર વાઈટ કોલરો દ્વારા અવગણના પણ સહન કરવી પડે છે. વાઈટ કોલરો પોતાના સંબંધો, અનુભવ અને સિનિયર અધિકારીઓ સાથેની નિકટતાના આધાર પર વહીવટમાં મજબૂતપણે ઘૂસેલા છે.
અત્યારે સ્થિતિ એવી છે કે, વોર્ડ ઓફિસર કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પણ આ વાઈટ કોલર વ્યવસ્થાને ન સાંભળી શકે એવી સ્થિતિ ઉભી થઈ છે. કેટલાક વાઈટ કોલરો તો બની બેઠેલા નેતાઓના સગા-સંબંધીઓ છે અને દિવસમાં પણ કામગીરી પર ઉપસ્થિત રહેતા નથી. આ કારણે વહીવટમાં ગેરવહીવટ, શહેરમાં અસફળ સફાઈ વ્યવસ્થા અને વોર્ડના નવા ઇન્સ્પેક્ટરો વચ્ચે તણાવ જેવી સમસ્યાઓ સર્જાઈ રહી છે. વાસ્તવમાં વાઈટ કોલર નામની કોઈ અધિકૃત પદવિ નથી, તેમનો કોઈ નિમણૂક ઓર્ડર નથી, તેમ છતાં “બુક”માં તેઓ હાજરી પણ નોંધતા હોય છે. તેઓની કામગીરી તરીકે “ઓપન સપોર્ટ નાબૂદ કરવી”, “ઓપન સપોર્ટ ભેગી કરવી”, “ઓફિસના કામમાં મદદરૂપ થવું” જેવા શબ્દો લખવામાં આવે છે. આ રીતે પરિપત્ર વિના, પરંતુ કાગળ પર છટક બારીઓ સાથે કામ ચાલુ રહે છે.
મહત્વની વાત એ છે કે, શહેરના દરેક વોર્ડમાં એવા વાઈટ કોલરો હાજર છે અને જો તેમને ભેગા કરવામાં આવે તો એક સંપૂર્ણ વોર્ડ જેટલા કર્મચારીના સરખામણી લાયક છે. કુલ સંખ્યા લગભગ 200 જેટલી હોય તેમ અંદાજવામાં આવે છે. આ વ્યવસ્થા એક રોગચાળાની જેમ ફેલાઈ છે, જેમાં અધિકારીના ઓર્ડર વગરના કર્મચારી વહીવટ સંભાળી રહ્યા છે, સફાઈથી દૂર છે અને અધિકૃત ન હોય તેમ છતાં નવી નિમણૂક ધરાવતા કર્મચારીઓની પણ અસર ઘટાડે છે. કેટલાંય વોર્ડમાં તો વાઈટ કોલરો પોતે નક્કી કરે છે કે કોને કયા વિસ્તારમાં મોકલવો, કોને શું કામ આપવું. આ બાબતે અગાઉ પણ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો થઈ છે, પણ અધિકારીઓ કે રાજકીય માળખું કોઈ કાર્યવાહી ન કરવાનું પસંદ કરે છે.
બેકાર વ્યવસ્થાથી આખરે નુકસાન તો વડોદરાના નાગરિકોને
આવી બેકાર વ્યવસ્થાને લીધે જ્યાં સફાઈ માટે નિયુક્ત કર્મચારીઓ કાર્યરત હોવા છતાં સફાઈ નથી થતી, ત્યાં લોજીકલ રીતે નુકસાન તંત્રને નહિ પરંતુ નાગરિકોને થાય છે. આ સમસ્યાને યોગ્ય રીતે ઉકેલવામાં નહીં આવે તો આવનારા સમયમાં શહેરમાં સફાઈને લગતી કામગીરી પર કરોડો ખર્ચવા છતાં સફાઈમાં કોઈ ફરક પડે એમ નથી. જો વડોદરા કોર્પોરેશન પાસે નવા કર્મીઓ સહિતનો પૂરતો સ્ટાફ છે, તો “વાઈટ કોલર” જેવી અનૌપચારિક વ્યવસ્થાને કેમ પ્રોત્સાહન મળે છે તેને લઈને પણ કોર્પોરેશનના કર્મીઓમાં આંતરિક ચર્ચાઓ થઈ રહી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સિવાય વાઈટ કોલર ક્યાંય નહીં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના અનેક મહાનગરોમાં આવા કોઈપણ વાઇટ કોલરનું અસ્તિત્વ નથી. વડોદરા એકમાત્ર એવું શહેર બનવા જઈ રહ્યું છે જ્યાં આ વાઇટ કોલરના મૂળિયા ખૂબ ઊંડે સુધી ઉતરી ગયા છે. વાઇટ કોલર એક પ્રકારે સફાઈ વ્યવસ્થામાં ન્યૂસન બની ગયું હોવાનું પણ ચર્ચાઓ જાગી છે. તાકીદે આ પ્રકારની વ્યવસ્થા દૂર કરવામાં આવે તેવી માંગ કર્મીઓમાં થઈ રહી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, પાલિકાના આસિસ્ટન્ટ મ્યુ. કમિશનર સુધીના અધિકારીઓ આ બાબતથી વાકેફ હોવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી.
કર્મચારીઓએ નામ ગુપ્ત રાખી ગુજરાતમિત્ર સમક્ષ વ્યક્ત કરી વ્યથા
વાઇટ કોલર મામલે ગુજરાતમિત્ર સાથે નામ ન જાહેર કરવાની શરતે કર્મીઓએ વાતચીત કરી હતી. જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવી છે. તેઓ માંગ કરી રહ્યા છે આ બાબતે ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને તાત્કાલિક ધોરણે આ વાઇટ કોલરને દૂર કરવામાં આવે. વધુમાં તેમણે ઉમેર્યું કે, વોર્ડ સ્તરે કેટલાક અધિકારીઓ પણ આ વાઇટ કોલરને ખૂબ મહત્વ આપી રહ્યા છે જેને લીધે આ ન્યુસંસ દિવસે ને દિવસે ખૂબ જ વધી રહ્યું છે.
