Vadodara

વડોદરાના ડેપ્યુટી મેયરના વિસ્તાર સહિતની સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા, લોકોએ માટલા ફોડ્યા

વોર્ડ નં 11ના રહીશોએ ઢોલ-નગારા વગાડી અને ભારે સૂત્રોચાર સાથે માટલા ફોડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો
ગોરવાની સોસાયટીઓમાં 8 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હોવાની ફરિયાદ

વડોદરા: વડોદરાના ગોરવા વિસ્તારમાં ડેપ્યુટી મેયરના ઇલેક્શન વોર્ડ નંબર 11માં આવેલી જય ગણેશ તેમજ આજુબાજુની સોસાયટીમાં છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રણ થઇ મળતું હોવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે આજરોજ ગોરવાના દશામાં મંદિર ચાર રસ્તા પાસેની જય ગણેશ સોસાયટી ખાતે સ્થાનિકોએ એકત્ર થઇ દુષિત પાણીની સમસ્યાથી કંટાળી તંત્ર સામે દુષિત પાણી ભરેલી બોટલો બતાવી ઢોલ-નગારા વગાડી કોર્પોરેશન વિરુદ્ધ ભારે સુત્રોચાર સાથે માટલા ફોડી વેરા અને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

રહીશોનો આક્ષેપ છે કે, છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્ર થઈ રહ્યું છે. આ સમસ્યા ઉકેલવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં, આખરે સ્થાનિકોએ વિરોધનો રસ્તો અપનાવ્યો છે. રહીશોએ ઢોલ-નગારા અને માટલા ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો અને આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, છેલ્લા 12 વર્ષથી અમને પાણીની સમસ્યા છે. ગટરની સફાઈ માટે બોલાવીએ તો કોઈ યોગ્ય જવાબ મળતો નથી. અહીંયા ગટરનું પાણી પીવાના પાણીમાં મિશ્રણ થઈ જાય છે. વિસ્તારમાં દુષિત પાણી આરોગવાથી રોગચાળાનો વાવર છે, લોકોના ઘરોમાં ડ્રેનેજના પાણી બેક મારે છે. અમે કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરી, પરંતુ કોઈ આવવા તૈયાર નથી. તંત્ર જાગે તે માટે ઢોલ નગારા વગાડી માટલા ફોડ્યા છે.

આ અંગે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા વિરેન રામીએ પણ આ મુદ્દે તંત્રની નિષ્ફળતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેઓએ કહ્યું કે, જય ગણેશ સોસાયટી, શિવશક્તિ સોસાયટી સહિત આ વિસ્તારમાં આશરે 450 મકાનો છે. છેલ્લા 12 વર્ષથી પાણીની સમસ્યા છે, અને છેલ્લા એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યા ગંભીર બની છે. સ્થાનિક પ્રતિનિધિઓ અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ખોબે ખોબા ભરી મત આપ્યા, પણ તંત્ર ધ્યાન નથી આપતું. આજે માટલા ફોડીને વિરોધ કર્યો છે, અને પ્રજાએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

સ્થાનિકોનો આ વિરોધ વડોદરા મહાનગર પાલિકાની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. રહીશોની માંગ છે કે તંત્ર તાત્કાલિક દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે, નહીં તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે.

Most Popular

To Top