યોગ દિવસની તૈયારીમાં અવગણના પર ડૉ શીતલ મિસ્ત્રીનો રો
સ્થાયી સમિતિમાં યોગ દિવસ ઉજવણી માટે ખાસ દરખાસ્ત ખટપટ બાદ આખરે મંજૂર
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની શુક્રવારે સવારે 11:30 કલાકે યોજાઈ હતી. જેમાં કુલ 21 દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરાઈ હતી સાથે જ વધારાની એક દરખાસ્ત પણ રજૂ કરાઈ હતી. આ તમામ દરખાસ્તો મંજૂર કરી દેવાઈ છે. સ્થાયી બેઠક પહેલા યોજાયેલી સંકલન બેઠકમાં નાના મોટા કામોને લઈને થોડા વિવાદ સર્જાય હતા પરંતુ છેલ્લે સભ્યોને સાંભળી, આખરે તમામ કામો મંજૂર કરી દેવાયા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની વધારાની દરખાસ્ત રજૂ કરાતા સ્થાયી સમિતિ ચેરમેન ડૉ શીતલ મિસ્ત્રીએ હાજર ડે. મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પોતાની વેદના ઠાલવતા કહ્યું, યોગ દિવસની ઉજવણી અંગેની પ્રેસ કોન્ફરન્સમાં અમને બોલાવાયા નહોતા. કમિશનર અમને કહે છે કે, તમે બધા ઝગડો છો, પરંતુ અમે બધા યુનાઈટેડ છીએ. જોકે અન્ય સભ્યોએ ચેરમેનને કામ મંજૂર કરવા કહેતા આખરે ચેરમને પણ સભ્યોની વાત માની કામ મંજૂર કર્યું હતું. આટલેથી ન અટકતા ચેરમેને વધુમાં ડે. મ્યુનિસિપલ કમિશનરને કહ્યું, તમે રિવ્યૂ બેઠક પણ કરી દો છો અને બોલાવતા નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ મેયરે પણ કમિશનર દિલીપ રાણા પોતાને ગણતા નથી તેવું જાહેરમાં નિવેદન આપ્યા બાદ હવે ચેરમેન ડૉ શીતલ મિસ્ત્રીએ આજે સ્થાયી બેઠકમાં પોતાનો રોષ ઠાલવ્યો છે.
21મી જૂન, 2025ના રોજ ઉજવાનાર 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઊજવાશે. આ માટેની દરખાસ્ત પણ સ્થાયી સમક્ષ રજૂ કરવામાં આવી હતી જેને સર્વાનુમતે મંજૂર કરી દેવાઈ છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમ માટે વિવિધ તૈયારીઓ માટે જરૂરી ખર્ચ માટે મ્યુનિસિપલ કમિશનરને સંપૂર્ણ સત્તા અપાઈ છે. આ કાર્યક્રમ માટે યોગ ટ્રેનર્સ માટે એડવાન્સ ટ્રેનિંગ, ફરાસખાનાની વ્યવસ્થા, ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી, એલઈડી સ્ક્રીન, સ્ટેજ ડિઝાઇન, બેકડ્રોપ, હોર્ડિંગ-બેનર્સ, ટ્રાન્સપોર્ટેશન, ટી-શર્ટ ખરીદી, પીવાનું પાણી, અલ્પાહાર જેવી તમામ વ્યવસ્થાઓને લગતા ખર્ચને મંજૂરી અપાઈ છે. જે ઈજારાઓની મુદત પુરી થઈ ગઈ છે પણ જેવાં કામો તાત્કાલિક જરૂરી છે, તેવી કામગીરી પણ મંજૂર થયેલ દરે કરાવી શકાશે. તાત્કાલિક જરૂરિયાત સમયે રોકડ તસલમાત લઈ ખર્ચ કરવાની પણ મંજૂરી અપાઈ છે.
