

( પ્રતિનિધિ )વડોદરા,તા.5
વડોદરા શહેરના વડસર વિસ્તારમાં રેલવે લાઇન પાસે પડેલા કચરામાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં જીઆઇડીસી ફાયર સ્ટેશનના જવાનોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં જાનહાનિ થઈ ન હતી.
વડોદરા શહેરના વડસર પાસેથી પસાર થઈ રહેલી રેલવે લાઈન પાસે કચરામાં આગ લાગી હતી. આગ ધીમે ધીમે વધુ પ્રસરી હતી. જેના કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. બનાવની જાણ થતા જ રેલવે તંત્ર દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી જીઆઇડીસી ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. જો કે, આ રેલવે ટ્રેકની ખૂબ જ નજીક હોવાથી એક તબક્કે તંત્રનો જીવ પડીકે બંધાયો હતો. સિગારેટ અથવા બીડીને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું. જ્યારે બીજી તરફ શહેરના દંતેશ્વર વિસ્તારમાં શિલ્પ રેસીડેન્સીની કોમન લાઇટની પેનલમાં પણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. બનાવની જાણ થતાં જ ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ અને વીજ કંપનીના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સત્વરે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.