લિટરસી રેસિડેન્સિયલ સ્કૂલ મંડોરની 9 સ્ટુડન્ટ હજુ સારવાર હેઠળ, વાલીઓએ આચાર્ય પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો
લીમખેડા: લીમખેડા તાલુકાના પાલ્લી ગામે આવેલી ગર્લ્સ લિટરસી રેસિડેન્સિયલ સ્કૂલ (GLRS) મંડોર ખાતે 2 જુલાઈ, 2025ની રાત્રે ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટનામાં 98 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી. આ ઘટનાએ શાળા તંત્રની બેદરકારી અને આચાર્ય રીટાબેન જોશીની નિષ્ક્રિયતા ઉજાગર કરી, જેનાથી વાલીઓમાં રોષ ફેલાયો. આરોગ્ય વિભાગની ઝડપી કામગીરીથી 89 વિદ્યાર્થિનીઓને 5 જુલાઈએ હોસ્પિટલમાંથી રજા મળી, જ્યારે 9ની સારવાર ચાલે છે.”

“જી.એલ.આર.એસ. મંડોરમાં 380 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. 2 જુલાઈની સાંજે ભોજન લીધા બાદ 98 વિદ્યાર્થિનીઓને ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો અને મોઢામાંથી ફીણ આવવાની ફરિયાદ થઈ. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા 14ને લીમખેડા સીએચસી, 14ને પીપલોદ, 62ને દુધિયા અને 8ને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાઈ. 48 કલાકના નિરીક્ષણ બાદ 89 વિદ્યાર્થિનીઓ સ્વસ્થ થઈ, હોસ્ટેલ પરત ગઈ, જ્યારે 1 લીમખેડા સીએચસી અને 8 ઝાયડસમાં સારવાર હેઠળ છે.”

“રાજ્ય સરકારે એપિડેમિક ઓફિસર મોકલ્યા
રાજ્ય સરકારે તાત્કાલિક રાજ્ય એપિડેમિક ઓફિસરને દાહોદ મોકલ્યા. તેમણે હોસ્પિટલોમાં વિદ્યાર્થિનીઓની સ્થિતિની સમીક્ષા કરી, શાળા-હોસ્ટેલની તપાસ કરી અને સૂચનાઓ આપી. ડો. કરિશ્માએ જણાવ્યું, “ઝડપી કાર્યવાહીથી 89 વિદ્યાર્થિનીઓ સ્વસ્થ થઈ. બાકી 9ની સ્થિતિ સ્થિર છે.”
“વાલીઓનો આચાર્ય રીટાબેન જોશી પર બેદરકારીનો આક્ષેપ કર્યો. ધોનીબેન ગણાવાએ કહ્યું, “ખોરાકમાં દુર્ગંધ હોવા છતાં વોર્ડને જબરજસ્તીથી ખવડાવ્યો. આચાર્ય 24 કલાક બાદ પણ અમને જાણ ન કરાઈ.” કિશોર ડામોરે જણાવ્યું, “મારી પૌત્રીએ ખોરાકની દુર્ગંધની ફરિયાદ કરી, પણ વોર્ડને જબરજસ્તી ખવડાવ્યો.””
“આચાર્ય અને શાળા તંત્રની ગંભીર બેદરકારી
આ ઘટનાએ શાળાના આચાર્ય રીટાબેન જોશી અને સ્ટાફની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે શાળા તંત્રે આ ઘટનાની જાણ તેમને કરી ન હતી, અને તેમને સમાચારપત્રો, સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા જ માહિતી મળી. આનાથી વાલીઓમાં ભારે આક્રોશ અને ગભરાટ ફેલાઈ હતી,”
“વિદ્યાર્થિનીના વાલી ધોનીબેન ગણાવાએ જણાવ્યું, “મારી બે દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરે છે. મને ઘટનાની જાણ મોબાઈલ પર વીડિયો જોઈને થઈ. હું તાત્કાલિક ઘરનું કામ છોડીને લીમખેડા પહોંચી. અહીં આવીને જોયું તો કેટલીક વિદ્યાર્થિનીઓને ઉલટી, ઝાડા અને પેટમાં દુખાવો હતો. મારી દીકરીઓએ જણાવ્યું કે ખોરાકમાં દુર્ગંધ હતી, છતાં વોર્ડન દ્વારા જબરજસ્તીથી ખોરાક ખવડાવવામાં આવ્યો. આચાર્ય રીટાબેન જોશી 24 કલાક હોસ્ટેલમાં હાજર રહેવાની જવાબદારી હોવા છતાં શાળાના સમય બાદ ઘરે જતા રહે છે. આવી ગંભીર ઘટના બાદ પણ અમને જાણ કરવામાં નથી આવી. શું અમારી દીકરીઓનું મૃત્યુ થયા બાદ અમને જાણ કરવામાં આવશે? અમે અમારી દીકરીઓને કોના ભરોસે મૂકીએ? આચાર્ય સામે કડક કાર્યવાહી થવી જોઈએ.””
“અન્ય એક વાલી, કિશોર ડામોરે જણાવ્યું, “મને ઘટનાની જાણ સવારે થઈ. હું તાત્કાલિક લીમખેડા પહોંચ્યો અને જાણ્યું કે મારી પૌત્રી દુધિયા સીએચસીમાં સારવાર લઈ રહી છે. મેં તેને પૂછ્યું તો તેણે કહ્યું કે ખોરાકમાં દુર્ગંધ હતી, અને જ્યારે અમે ખોરાક ફેંકવા ગયા ત્યારે વોર્ડન દ્વારા અમને જબરજસ્તીથી ખોરાક ખવડાવવામાં આવ્યો. આના કારણે અમારી તબિયત બગડી. શાળા તંત્રની આવી બેદરકારી અસ્વીકાર્ય છે.””
“વાલીઓનો આક્રોશ અને માંગ
વાલીઓએ શાળા તંત્રની બેદરકારી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ આચાર્ય રીટાબેન જોશી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અને શાળામાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા, ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. ધોનીબેન ગણાવાએ વધુમાં જણાવ્યું, “શાળામાં વિદ્યાર્થિનીઓની જવાબદારી આચાર્ય અને ગૃહમાતાની છે, પરંતુ તેમણે કોઈ કાળજી લીધી નથી. સરકારે આવી ઘટનાઓ ન બને તે માટે શાળામાં પૂરતી સુવિધાઓ અને સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.” વાલીઓએ ત્રણ દિવસ સુધી હોસ્પિટલોમાં પોતાની દીકરીઓ સાથે રહીને તેમની સંભાળ રાખી, અને રજા આપવાના દિવસે હોસ્પિટલોમાં વાલીઓ અને પરિવારજનોના ટોળેટોળા જોવા મળ્યા હતા.”
“ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારના તપાસના આદેશ
આ ઘટના બાદ રાજ્ય સરકારે ઝીણવટીભરી તપાસના આદેશ આપ્યા છે. રાજ્ય એપિડેમિક ઓફિસરે શાળા અને હોસ્ટેલની ચકાસણી કરી, ખોરાકની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા અને સ્ટાફની જવાબદારીઓની તપાસ હાથ ધરી. આ ઘટનાનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.”
“લીમખેડા ફૂડ પોઈઝનિંગની આ ઘટનાએ શાળા તંત્રની ગંભીર ખામીઓ અને આચાર્યની બેદરકારીને ઉજાગર કરી છે. આરોગ્ય વિભાગની ઝડપી કાર્યવાહીએ વિદ્યાર્થિનીઓનો જીવ બચાવ્યો, પરંતુ આ ઘટનાએ શાળાઓમાં ખોરાકની ગુણવત્તા, સ્વચ્છતા અને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.”
“વાલીઓની માંગ છે કે આચાર્ય અને સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને શાળામાં પૂરતી સુવિધાઓ તથા સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઈ, ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવા જરૂરી છે, જેથી વાલીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત થાય.”
