સ્થાનિક કાઉન્સિલર દ્વારા પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર તપાસ સાથે જ દવા છંટકાવ વિગેરેની કામગીરી હાથ ધરવામાં આવી

( પ્રતિનિધિ) વડોદરા તા 09
શહેરના લાલબાગ બ્રિજ નીચે મેટ્રો રેલવે પ્રોજેકટ ની કામગીરી માટે આર એમ ડી પ્લાન્ટ ખાતે હંગામી મકાનોમાં શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે ત્યાં અસહ્ય ગંદકી, ખુલ્લી પાણીની નીક તેમજ તાજેતરમાં પડેલા વરસાદના પાણી ભરાઈ રહેતા અહીં સાત જેટલા શંકાસ્પદ ડેન્ગ્યૂના કેસો જોવા મળતા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે તંત્ર દોડતું થયું હતું અને આરવીએનએલ ના અધિકારી સાથે ચર્ચા કરી આ વિસ્તારમાં સફાઇ કરાવી દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
ગત સોમવારથી શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે બે દિવસ પહેલા શહેરમાં અઢી ઇંચ થી વધુ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં ત્યારે શહેરના ઇલેક્શન વોર્ડ નં 13 માં સમાવિષ્ટ લાલબાગ બ્રિજ નીચે રેલ વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) દ્વારા રેલવે ની કામગીરી અંતર્ગત અહીં રેડી મિક્સ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે જ્યાં ઉત્તર પ્રદેશ બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી કામગીરી માટે આવતા શ્રમજીવીઓ માટે પતરાની નાની નાની ઓરડીઓ બનાવવામાં આવી છે ત્યાં શ્રમજીવીઓ રહે છે અહીં અસહ્ય ગંદકી પતરાં ઉપર તથા આસપાસમાં હોવાનાં કારણે તથા પાણીના નિકાલ માટે ખુલ્લી નીકો તૈયાર કરવામાં આવી છે સાથે જ શહેરમાં કમોસમી વરસાદ ને કારણે અહીં શંકાસ્પદ ડેન્ગ્યુના સાત જેટલા કેસો મળી આવતાં સ્થાનિક કાઉન્સિલર જાગૃતીબેન કાકા તથા પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે જ કર્મચારીઓ દોડી આવ્યા હતા જ્યાં આરવીએનએલ અંતર્ગત આર એમ ડી પ્લાન્ટના જવાબદાર અધિકારીઓ ને નોટિસ સાથે જરુરી સૂચનાઓ આપવામાં આવી હતી. અહીં સાતમાંથી ત્રણ શંકાસ્પદ ડેન્ગ્યૂના દર્દીઓ જેઓ છેલ્લા એક મહિના દરમિયાન નોંધાયા હતા તેઓના આરોગ્યમાં સુધારો આવ્યો છે જ્યારે બાકીના ચાર શંકાસ્પદ ડેન્ગ્યૂના દર્દીઓ નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય કર્મીઓ દ્વારા આ વિસ્તારમાં સફાઇ કરવામાં આવી હતી સાથે જ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો તેમજ ડેન્ગ્યુ મચ્છરના સેમ્પલ કલેક્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
