સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં લૂંટ વિથ મર્ડરના ગુનામાં બંધ કાચા કામના કેદીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. મૃતકની ઓળખ 26 વર્ષીય મનીષ ઉર્ફે સુચિત્ર ઉર્ફે વિચિત્ર બાબુ ઉર્ફે પૂરી કુરમી પટેલ તરીકે થઈ છે. તે જેલના યાર્ડ નંબર C/9/1માં રાખવામાં આવ્યો હતો. 26 ઓક્ટોબરની વહેલી સવારે આશરે ત્રણ વાગ્યે બેરેકના બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેનના લોખંડના એંગલ સાથે કેસરી રંગના કાપડનો ઉપયોગ કરીને તેણે ફાંસો ખાધો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.
મનીષ કુરમી પાંડેસરા અને કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટ વિથ મર્ડરના બે ગંભીર ગુનાઓમાં આરોપી હતો. આ ગુનાઓને લઈને તે કાચા કામના કેદી તરીકે લાજપોર જેલમાં બંધ હતો. છેલ્લા ચાર વર્ષથી જેલમાં રહેલા મનીષે અચાનક આ પગલું ભરતાં જેલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, તેણે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જેલના ડ્યુટી જેલર ગ્રુપ-2 વિક્રમસિંહ એ. પરમારે સચીન પોલીસ મથકને ટેલિફોન દ્વારા જાણ કરી હતી.
સચીન પોલીસમાં વહેલી સવારે 4:45 વાગ્યે ટેલિફોનિક વર્દી નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી હતી. સચીન પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસની જવાબદારી પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. વાઘેલાને સોંપવામાં આવી છે. જેલમાં બંધ કેદીએ કયા સંજોગોમાં આ પગલું ભર્યું, તેની પાછળ કોઈ માનસિક તણાવ કે અન્ય કારણ હતું કે કેમ, તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.