Business

રોહિણી નક્ષત્રમાં જન્મ્યા હોય તે ધની, મેધાવી ને સુખી જ હોય!

રોહિણી નક્ષત્ર
ભૂમંડળમાં ચોથું નક્ષત્ર એ રોહિણી નક્ષત્ર છે. રોહિણી નક્ષત્ર મનુષ્ય ગણ, પૃથ્વી તત્ત્વ, અન્ત્ય નાડી, કફ પ્રકૃતિ, શુદ્ર વર્ણ એવું ધ્રુવ નક્ષત્ર છે. શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ આ નક્ષત્રમાં થયો હતો. રોહિણી નક્ષત્ર વૃષભ રાશિમાં આવે છે. નક્ષત્ર પતિ ચંદ્ર છે અને નક્ષત્રના દેવ બ્રહ્માજી છે. જ્યારે પૃથ્વીનું સર્જન કરવાનું વિષ્ણુ ભગવાને વિચાર્યું ત્યારે વિષ્ણુજીની નાભિમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીને પૃથ્વીનું સર્જન કરવા માટેનું કાર્ય સોંપવામાં આવ્યું. રોહિણી નક્ષત્રના પહેલાં જે ત્રીજું નક્ષત્ર આપણે જોયું તે કૃતિકા નક્ષત્ર છે, જેના દેવ અગ્નિ છે. રોહિણી નક્ષત્રની પાછળ આવતું પાંચમું નક્ષત્ર મૃગશિરા છે. મૃગશિરા નક્ષત્રનાં દેવ સોમ છે, એટલે કે ચંદ્ર છે. રોહિણી નક્ષત્રની એક બાજુ અગ્નિદેવ અને બીજી બાજુ ચંદ્ર છે. ચંદ્ર જળ તત્ત્વનો છે. આ કારણે રોહિણી નક્ષત્રમાં જન્મેલ સ્ત્રી જાતકને સહેલાઇથી સંતાન થઈ શકે છે. આમ તો હિન્દુ ધર્મમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ મુખ્ય દેવ છે. આ કારણે આ ત્રણ દેવોની ઘણી વાતો અલગ અલગ પુરાણોમાં દર્શાવી છે. આપણે જાણીએ છીએ કે બ્રહ્માનાં મંદિરો બહુ ઓછાં છે, જેમાં પુષ્કર રાજસ્થાનમાં આવેલ મંદિર બહુ પ્રખ્યાત છે.

પદ્મપુરાણમાં બ્રહ્માજીની એક બહુ જાણીતી વાર્તા છે તે ટુંકાણમાં જોઈએ.
(૧) બ્રહ્માજી અને સંધ્યા
એક વાર બ્રહ્માજી વનમાં ફરતા હતા ત્યાં એમની નજર સંધ્યા પર ગઈ. સંધ્યા બહુ જ સુંદર છોકરી હતી. જ્યારે સંધ્યાને ખબર પડી કે બ્રહ્માજીની નજર મારા પર પડી છે તો સંધ્યાએ ગભરાઈને ગાયનું રૂપ લીધું. બ્રહ્માજીએ પણ પોતાનું રૂપ બદલ્યું અને ગાયની પાછળ દોડ્યા. સંધ્યા જોડે એની બીજી બહેનો પણ હતી. એ લોકોએ શિવજીને પ્રાર્થના કરી કે સંધ્યાને બચાવો. શિવજી જંગલમાં આવ્યા અને કોપાયમાન થઈ એમણે બ્રહ્માજીનું એક મસ્તક ધડથી છૂટું કર્યું. બ્રહ્માજીને પાંચ મસ્તક હતાં. એમાંથી એક શિવજીએ કાપી નાખ્યું એટલે ચાર મસ્તક રહી ગયાં. આ વાત બહુ પ્રખ્યાત થઈ અને એને કારણે બ્રહ્માજીનાં મંદિરો બનાવ્યાં નથી.

(૨) એક સમયે બ્રહ્માજી અને વિષ્ણુ પૃથ્વી પર ફરતા હતા ત્યાં એમણે એક સ્તંભ જોયો. સ્તંભ બહુ ઊંચો હતો. તો એ લોકોને આતુરતા થઈ કે આ સ્તંભ ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે તે જોવું જોઇએ. એટલે એમણે નક્કી કર્યું કે બ્રહ્માજી ઉપરની તરફ જશે અને વિષ્ણુજી નીચેની તરફ જશે અને જ્યારે બન્નેને અંત ખબર પડે ત્યારે પાછા પૃથ્વી પર આવી એકબીજાને જણાવશે. વિષ્ણુજી નીચેની તરફ ગયા એમને કોઈ સ્તંભનો અંત દેખાયો નહીં. એ જ પ્રમાણે બ્રહ્માજી ઉપર તરફ ગયા એમને પણ કોઈ અંત દેખાયો નહીં. પરંતુ બ્રહ્માજીએ રસ્તામાં એક ઝાડ જોયું, જેમાં ઘણાં સુગંધિત પુષ્પો હતાં.

એ પારિજાતકનું ઝાડ હતું. બ્રહ્માજીએ પારિજાતકને કહ્યું કે “તું મારી સાથે પૃથ્વી પર ચાલ અને વિષ્ણુને કહેજે કે હું સ્તંભના ઉપરના જ છેડે હતું.” તને પૃથ્વી પર બધા લોકો બહુ પ્રેમથી ભગવાનને ચડાવશે. આમ બ્રહ્માજી પારિજાતકને લઈ પૃથ્વી પર આવ્યા. જ્યારે બ્રહ્માજીએ વિષ્ણુને વાત કરી ત્યારે વિષ્ણુને જાણ થઈ ગઈ કે બ્રહ્માજી ખોટું બોલે છે. સાથે પારિજાતક પણ ખોટું બોલે છે. ભગવાને પારિજાતકને શાપ આપ્યો કે તારા પર ઘણાં સુગંધિત પુષ્પો થશે, પરંતુ બહુ જલદી કરમાઈ જશે.

ઉપરની બંને બ્રહ્માજીની વાત પરથી કહી શકાય કે બ્રહ્માજી પોતાના ફાયદા માટે જૂઠું પણ બોલતા હતા. બીજાની સાથે પોતાના ફાયદા માટે છેતરપિંડી કરતા પણ અચકાતા નહીં. આ નક્ષત્રમાં જન્મેલ જાતક ચાલાક હોય છે. એન કેન પ્રકારેણ પોતાનું કામ સિફતથી પૂર્ણ કરે છે. આ નક્ષત્રમાં જે ગ્રહ જાતકની કુંડળીમાં સ્થિત હોય તો જાતકને એ ભાવ સંબંધી કોઈ કારકત્વને માટે અતિ ઈચ્છા હોય અને એ પૂર્ણ કરવા માટે જાતક કંઈ પણ કરવા તૈયાર હોય.

આ નક્ષત્રનું ચિહ્ન રથ છે, જે રાજાનું વાહન છે. જાતકની પાસે વૈભવ હોવાની શક્યતા. આ નક્ષત્રમાં જન્મેલ જાતક ધની, મેઘાવી, રાજામાં પ્રશંસા પામેલ પ્રિયંવદ અને સુંદર હોય છે. રોહિણીમાં ગ્રહ ભૌતિક સુખમાં બાંધી રાખનાર અને બધી વસ્તુઓનો આનંદ મેળવવા પૂરતા પ્રયત્નો કરે છે. બાળપણમાં માંદા પડવાની શક્યતા વધુ હોય છે. રોહિણી નક્ષત્રમાં જન્મેલ જાતક કોઇ ગરીબ ઘરમાં હોય તો પણ એને પોતાના શોખ પુરા કરવા કંઈ ને કંઈ સગવડ મળી રહે.

પડોશી કે સગાંવહાલાં તરફથી મદદ મળી રહે. આ નક્ષત્રમાં કોઈ ગ્રહ સ્થિત હોય અને પાપ ગ્રહ સાથે સંબંધ હોય તો જીવનમાં એક વાર પોતે ન કરેલ કાર્ય માટે સમાજમાં બદનામી થવાની શક્યતા રહે છે. ધ્રુવ નક્ષત્ર હોય જે કામ લાંબા સમય સુધી ચાલવા જરૂરી છે તેવા કામની શરૂઆત આ નક્ષત્રમાં કરવાથી યોગ્ય ફળ મળે . સવારે કસરત કરવી, ચાલવા જવું, વ્યવસાય શરૂ કરવો, લગ્ન, નવા ઘરની શરૂઆત, ઘરેણાં ખરીદવાં, નવાં કપડાં, નવી ગાડી ખરીદવી આ બધાં જ કામો આ નક્ષત્રમાં શરૂ કરી શકાય. કોઈ કાર્ય બંધ કરવું હોય, કોઈ વસ્તુનો નાશ કરવો‌ હોય, કોઈ જૂના મકાનને તોડવું હોય એ બધા કામ આ નક્ષત્રમાં કરવા નહીં.

Most Popular

To Top