રોંગ સાઇડ ડ્રાઇવીંગ

રોંગ સાઇડ ડ્રાઇવીંગ અને દ્વી ચક્રી વાહનો પર ત્રણ સવારી એ સુરતમાં જોવા મળતી એક અતિસામાન્ય રોજીંદી ઘટના (બીના) છે  જેને સુરતની શિક્ષિત કે અશિક્ષિત કોઇપણ વ્યક્તિ (કાયદાના રખેવાળો સહિત) ખોટુ કર્યાની વ્યાખ્યામાં કે ગુનાની વ્યાખ્યામાં સમાવતા હોય એવુ લાગતુ કે  દેખાતુ નથી. ઘણાં વર્ષો પહેલા રોંગ સાઇડે આવતા વાહનચાલકને બચાવવા જતા મારી પાછળ આવતા વાહને મારા સ્કુટરને ટક્કર મારતા મને પગમાં ફ્રેક્ચર થયેલ જેને કારણે ત્રણ મહિનાનો ખાટલો થયેલ ત્યારથી હું અંગત રીતે માનતો થયેલ કે  રોંગ સાઇડે આવતા વાહનોથી પોતાની જાતને સુરક્ષીત રાખવાની સંપૂર્ણ જવાબદારી વાહન ચાલકોની જ  છે  જે  ન સમજનાર વ્યક્તિને ઘણી વખત અનિચ્છનિય પરિસ્થિતિમાં મુકાવાની કે  બીનજરૂરી વાક્યો કે શબ્દો સાંભળવાની તૈયારી પણ રાખવી પડે છે.

એથી જે પ્રથા/વ્યવસ્થા ચાલે છે એને સવાલ કર્યા વિના સ્વીકારવામાં જ ડહાપણ છે એવું લાગી રહ્યુ છે. આવુ ડહાપણ રાખવાનું અને મોજુદા પરિસ્થિતિને સામાન્ય ગણી સ્વીકારી લેવાની સલાહ હમણાં જ થોડા દિવસ પહેલા એક કાર ચાલક તરફથી પણ મને મળી.  હમણાં થોડા દિવસ પહેલા હું મારા ટુ વ્હિલર પર પસાર થઇ રહ્યો હતો અને સામેથી રોંગ સાઇડે  મોટી કાર આવતી હતી  અને મારી પાછળ એક કાર ઝડપથી આવી રહી હતી એથી મારે મારી સામે રોંગ સાઇડ પર આવતી ગાડીને હાથ કરી ઉભી રખાવવી પડી. એ ભાઇ મારા પર થોડા ગુસ્સે થતા મારે એમને કહેવું પડ્યુ કે તમે ભણેલા ગણેલા દેખાતા માણસ રોંગ સાઇડે વાહન શું કામ ચલાવો છો?

એ ભાઇએ ત્યારે મને સલાહરૂપે જવાબ આપ્યો  કે સુરતમાં રોંગ સાઇડ ડ્રાઇવીંગ એ સામાન્ય ઘટના છે  એથી તમે કોઇની સાથે ખોટા વિવાદમાં પડી તમારું મગજ  ન બગાડો એ તમારા જેવી મોટી ઉંમરની વ્યક્તિ માટે હિતાવહ છે. એ ભાઇની વાતમાં મને પણ તથ્ય દેખાયુ કે જ્યારે સમાજનો મોટો ભાગ જે પરિસ્થિતિને સ્વીકાર્ય ગણતો હોય અને કાયદાના રખેવાળો પણ જે બાબતે મહદ્અંશે નિષ્ક્રીય દેખાતા હોય એ બાબતમાં કોઇની સાથે વાદવિવાદમાં પડવા કરતા મોજુદા પરિસ્થિતિને ખુલ્લા દિલે  સ્વિકારી જાતને સાચવવી જ  હિતાવહ છે. 
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts