બંને ને હાથ પગ અને છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી
બંનેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે
(પ્રતિનિધિ) વડોદરા તા. 21
શહેરના વડસર ગામ પાસે રેલવે કંસ્ટ્રકશન સાઇટ પર કામ કરતા બે પરપ્રાંતીય મજૂરોને વીજ કરંટ લાગતા બંનેને 108મારફતે. એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર હેઠળ બંને ભાનમાં હોવાનું તથા તેઓની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરમાં વિવિધ કંસ્ટ્રકશન સાઇટો ચાલતી હોય છે જ્યાં જરુરિયાતમંદ શ્રમજીવીઓ આવી સાઇટો પર કામ કરતા હોય છે પરંતુ કોન્ટ્રાકટરો દ્વારા આવા શ્રમજીવીઓ નું એક રીતે શોષણ કરવામાં આવતું હોય છે. ઉંચી સાઇટ પર,ઇમારતો પર અથવાતો વિવિધ પોલ ની ઉંચાઇ પર કામ કરતા શ્રમજીવીઓને કોઇપણ પ્રકારના સુરક્ષાના સાધનો આપવામાં આવતા નથી ત્યાં સુધી કે કોન્ટ્રાકટર દ્વારા સરકારના શ્રમજીવીઓ અંગેના સુરક્ષા માટેના કાયદા કે નિયમોને અવગણીને ફક્ત લાચાર લોકોના જીવન સાથે રમત રમાતી હોય છે જેના કારણે અગાઉ શહેરના અલગ અલગ કંસ્ટ્રકશન સાઇટો પરથી ઉચાઇએથી સુરાક્ષાના સાધનો વિના શ્રમજીવીઓના પડી જવાથી મોત નિપજ્યાના બનાવો બન્યા છતાં જાડી ચામડીના તંત્ર કોન્ટ્રાકટરને કે બિલ્ડરોને કોઇ સજા કરાતી નથી સરવાળે ફક્ત શ્રમજીવીઓને જીવ ખોવાનો તથા પરિવારને ખોટ સહન કરવાનો વારો આવે છે.અત્યારે આવો જ એક બનાવ ગતરોજ શહેરના વડસર ખાતે બનવા પામ્યો હતો.જ્યા ગોવિંદભાઈ વિરામભાઇ માચર નામનો 19 વર્ષીય યુવક તથા રાજ રસોલ માચર નામનો 16 વર્ષીય સગીર જેઓ વરણામા રેલવે સ્ટેશન પાસે રહે છે અને તેઓ ગત સોમવારે સાંજે સાડા પાચ વાગ્યાના અરસામાં વડસર ગામ ખાતે આવેલી ઓમ રેસિડેન્સી પાસેના રેલવે કંસ્ટ્રકશન સાઇટ પર કામ કરતા હતા તે દરમિયાન સુરક્ષાના સાધનો પહેર્યા ન હોવાથી ભૂલથી લોખંડની પાઇપ ઇલેક્ટ્રિક વાયરને અડી જતાં બંનેને વીજ કરંટ લાગ્યો હતો જેમાં ગોવિંદ માચર નામના શ્રમજીવીને છાતીના તથા બંને પગના અને બંને હાથના ભાગે કરંટથી ઇજા પહોંચી હતી જ્યારે રાજ માચર નામના સગીરને બંને હાથ અને પગમાં કરંટ થી ઇજા થઇ હતી જેથી બંનેને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે શહેરના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંને સારવાર હેઠળ ભાનમાં હોવાનું તથા તેઓની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.
