Business

રામલીલા મેદાનની રેલીથી હોલસેલ વેપાર ઘટ્યો પણ હોટલ ઇન્ડસ્ટ્રીને લીલાલહેર

દિલ્હીના રામલીલા મેદાનમાં તમામ વિપક્ષે રવિવારે 1 નવેમ્બરે મહારેલીનું આયોજન કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ અને રાજીનામાની માગ સાથે યોજાયેલી આ રેલીને કારણે દિલ્હીનું વેપારી જગત ચર્ચામાં આવ્યું છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની સંભાવના, વાહનવ્યવહાર પર નિયંત્રણો અને રસ્તાઓ પર બેરિકેડિંગની આશંકાને કારણે અનેક બજારોના વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી. વેપારીઓના સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ તો હજારો કરોડ રૂપિયાના વેપારને અસર થવાની ચેતવણી આપી હતી. દિલ્હી દેશનાં મુખ્ય જથ્થાબંધ વેપાર કેન્દ્રોમાંનું એક છે. અહીંથી દેશના વિવિધ રાજ્યોમાં કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, દવાઓ, મશીનરી, હાર્ડવેર, ઘરવપરાશની વસ્તુઓ અને અન્ય માલસામાનનો પુરવઠો થાય છે. રામલીલા મેદાનની આસપાસના વિસ્તારમાં આવેલી ચાંદની ચોક, સદર બજાર, ખારી બાવલી, ચાવડી બજાર, અજમેરી ગેટ અને દરિયાગંજ જેવી બજારોમાં રોજ મોટી સંખ્યામાં વેપારીઓ અને ગ્રાહકોની અવરજવર રહે છે.

રેલીને કારણે રસ્તાઓ પર અવરજવર મુશ્કેલ બનવાની આશંકાથી વેપારીઓએ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. CTIના દાવા પ્રમાણે, રામલીલા મેદાનની આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવેલી આશરે ત્રણ લાખ દુકાનોમાંથી લગભગ 2.5 લાખ દુકાનો બંધ રહેવાની શક્યતા હતી. દિવાળી અને અન્ય તહેવારોની આસપાસનો સમય દિલ્હી સહિત દેશભરના વેપારીઓ માટે મહત્ત્વપૂર્ણ હોય છે.

આ સમયગાળામાં ગ્રાહકો કપડાં, સાડીઓ, તૈયાર વસ્ત્રો, ઘરેણાં, ભેટસોગાદો અને ઘરવપરાશની વસ્તુઓની ખરીદી કરે છે. દિલ્હીની કેટલીક બજારોમાં દેશભરમાંથી વેપારીઓ જથ્થાબંધ ખરીદી માટે આવે છે. રેલીના કારણે વાહનવ્યવહાર અને બજારો સુધી પહોંચવામાં મુશ્કેલી થવાની આશંકાએ ખરીદદારોની અવરજવર પર અસર કરી હતી.

વેપારીઓને ડર હતો કે બહારગામના ગ્રાહકો દિલ્હી આવવાનું ટાળશે અને તહેવારો માટેનો માલ ખરીદવાની તેમની યોજના મુલતવી રાખશે. આવી સ્થિતિમાં માત્ર દુકાનદારો જ નહીં, પરંતુ કપડાંના જથ્થાબંધ વેપારીઓ, વિતરકો, હોલસેલ એજન્ટો અને તૈયાર માલના સપ્લાયરોને પણ નુકસાન થવાની સંભાવના રહે છે. તહેવારોની મોસમમાં એક દિવસનો વેપાર ગુમાવવાથી કેટલાક નાના વેપારીઓની આખા સપ્તાહની કમાણી પર પણ અસર પડી શકે છે. જો કે આ રેલીને કારણે દરેક ક્ષેત્રના વેપારમાં ઘટાડો જ થયો હોય એવું નથી. મોટી રેલીઓમાં હજારો લોકો એકત્ર થતા હોવાથી કેટલીક સેવાઓની માગ વધી શકે છે. જોકે, આ ક્ષેત્રોમાં વાસ્તવિક વેચાણ વધ્યું હોવાના આંકડા ઉપલબ્ધ ન હોય ત્યારે તેને સંભવિત લાભ તરીકે જ જોવું જોઈએ.

ચા-નાસ્તા અને ખાદ્યપદાર્થો: રેલીમાં ભાગ લેવા આવેલા લોકો માટે ચા, પાણી, નાસ્તો, બિસ્કિટ અને તૈયાર ખોરાકની માગ વધી હતી. મેદાનની આસપાસ અથવા અવરજવર ચાલુ હોય તેવા વિસ્તારોમાં નાના ફેરિયાઓને કમાણીની તક મળી શકે છે. ફૂડ એન્ડ બેવરેજીસ માટે તો આ દિવસ સોનાની લગડી જેવો સાબિત થયો હતો. એટલું જ નહીં  રેલીના સ્થળ સુધી પહોંચવા માટે લોકો ખાનગી વાહનો, ટેક્સી અને અન્ય પરિવહન સેવાઓનો ઉપયોગ કર્યો હતો જેનાથી આ વેપારને પણ મોટો લાભ થયો હતો. મોટી ભીડને કારણે બોટલબંધ પાણી, ઠંડાં પીણાં અને અન્ય આવશ્યક વસ્તુઓની માગ વધી હતી. સૌથી વધુ લાભ તો હોટલ ઇન્ડસ્ટ્રી થયો હતો. હોસ્પિટાલિટી માટે તો દિવાળી પહેલા જ દિવાળી થઇ ગઇ હતી. દિલ્હીના રામલીલા મેદાનની આસપાસ હોટેલ્સ મુખ્યત્વે અજમેરી ગેટ, નવી દિલ્હી રેલવે સ્ટેશન, પહાડગંજ અને દરિયાગંજ વિસ્તારમાં
આવેલી છે.

Most Popular

To Top