મનુષ્ય અને મૂંગા પશુ પક્ષીઓ ગરમીથી ત્રાહિમામ
મંગળવારે શહેરમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 22.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 23% રહ્યું હતું

(પ્રતિનિધિ) વડોદરા તા. 11
મધ્ય ગુજરાતમાં માર્ચ મહિનાના બીજા અઠવાડિયે જ આગ ઝરતી ગરમી શરૂ થઇ ગઇ છે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગરમીનો પારો 40ડિગ્રી કે તેથી વધુ રહેવાની સંભાવના સાથે ઉત્તર ગુજરાતમાં તથા મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. ત્યારે મંગળવારે વડોદરા શહેરમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જેના કારણે બપોરે શહેરના રસ્તાઓ સૂમસામ બન્યા હતા.શહેરીજનોએ કામ વિના બહાર નિકળવાનું ટાળ્યું હતું.જ્યારે મનુષ્ય તો ઠીક પરંતુ મૂંગા પશુ પક્ષીઓ પણ કાળઝાળ ગરમીથી બચવા ઠંડક અને છાયડાનો સહારો લેતા જોવા મળ્યા હતા.

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ભારતમાં તથા ગુજરાતમાં તેમાય ખાસ કરીને ઉત્તર ગુજરાત તથા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે જ હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે અને ઉતર ગુજરાત તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. વડોદરા શહેરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મંગળવારે લોકો આકરી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા.સામાન્ય રીતે માર્ચના અંતથી એપ્રિલ અને મે મહિના દરમિયાન બરાબર ગરમી જોવા મળતી હોય છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં જ ગરમીનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ ને વટાવી ગયો હતો અને હવે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની શરૂઆતમાં જ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ ને વટાવી ગયું છે. જેમ જેમ કુદરતી જંગલો નષ્ટ થઇ રહ્યા છે અને તેનું સ્થાન કોક્રિટના જંગલે લીધું છે ત્યારથી પ્રકૃતિએ પણ પોતાના સ્વરુપમાં ફેરફાર કર્યો છે પરિણામે મનુષ્ય વિકાસની હરણફાળ વચ્ચે કુદરતી આફતોનો ભોગ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

મંગળવારે વડોદરા શહેરમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જેમાં 2.2 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે લઘુત્તમ તાપમાન 22.0ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને હવામાં ભેજનું પ્રમાણ 23%રહ્યુ હતું. લોકોએ મંગળવારે ગરમીમાં કામ વિના બહાર નિકળવાનું ટાળવું હિતાવહ સમજ્યું હતું. રાજ્યના યલો એલર્ટ આપવામાં આવેલા શહેરમાં મહત્તમ તાપમાન અમદાવાદમાં 41.2,સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 42.8, ડીસામાં 41.6, ગાંધીનગરમાં 41.2, વલ્લભ વિદ્યાનગરમાં 41.9, ભૂજમાં 42.4, નલિયામાં 41.4, અમરેલીમાં 41.6, પોરબંદરમાં 41.0, રાજકોટમાં 42.3તથા કેશોદમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
મંગળવારે બપોરે આકરો તાપ ઉપરથી ફૂંકાતા ગરમ પવનોને કારણે શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા અને શહેરમાં લોકો ઠંડા પીણાં અને શેરડીના રસઘર પર તરસ છીપાવતા નજરે પડ્યા હતા. શહેરમાં કાળઝાળ ગરમી ને કારણે હવે લોકોએ બપોરે 12 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાની માંગ કરી છે કારણ કે ટ્રાફિક સિગ્નલ દરમિયાન બપોરે આકરા તાપમાં લોકોએ વાહનોના પ્રદૂષણ વચ્ચે ઉભા રહેવામાં ચક્કર આવવા, બેહોશ થવું કે પછી હ્રદયરોગના હૂમલો થવાની દહેશત વ્યકત કરી છે જ્યારે બીજી તરફ વાલીઓ પણ બપોર પાળી સ્કૂલમાં બાળકો માટે શાળા પ્રશાસન પાણી, પંખા સહિતની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી રહ્યા છે.કેટલીક સંસ્થાઓ દ્વારા લોકોને પીવાના પાણીના જગ ની વ્યવસ્થા કરી છે તો કેટલાક સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા મૂંગા પશુ પક્ષીઓ માટે પીવાના પાણી માટે કુંડાઓનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
કાળઝાળ ગરમીથી બચવા પાણી વધારે પીવું તથા સુતરાઉ કપડા પહેરવા
હાલમાં જે રીતે ગરમીએ શરુઆતમાં જ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમીથી બચવા માટે ઠંડા પાણી કરતાં નોર્મલ પાણી વધુ પીવું જોઈએ સાથે જ બહાર મળતાં બરફ,ઠંડા પીણાં, તળેલાં તથા તીખા અને ખુલ્લામાં રાખેલા ખોરાકથી બચવું જોઈએ.અનિવાર્ય હોય તો જ બહાર નિકળવું અને તે પણ સુતરાઉ કપડાનો ઉપયોગ સાથે જ ચશ્મા, ટોપી અથવા રૂમાલ, દુપટ્ટો કે છત્રી લઈને નિકળવું લૂ લાગે તો તરત દર્દીને છાંયડામાં સૂવાડી કપડાં ઢીલાં કરવા અને તાત્કાલિક સારવાર માટે મોકલવા જોઇએ.
-ડો.મયંક શાહ, આશિર્વાદ હોસ્પિટલ, વડોદરા
