Business

માટીના મોલ માણસજાતે જીવવા માટે પોષણક્ષમ
માટીને જીવાડવા કવાયત કરવી પડશે

સૌથી પહેલાં એક ડિસક્લેમર એટલે કે અસ્વીકરણ કે,– આ લેખને કહેવાતા ગૉડમેન સદગુરુના ‘માટી બચાવો’ એટલે કે ‘સેવ ધ સૉઇલ’ અભિયાન સાથે એટલી જ લેવા-દેવા છે જેટલી માટીના મહત્ત્વ સાથે વઘારમાં પડેલી આગળ પડતી રાઇને હોઇ શકે – એટલે કે જરાય નહીં. હા, એટલું ખરું કે ‘સેવ ધ સૉઇલ’ના હોબાળાને કારણે આપણે સોશ્યલ મીડિયા પર કે પ્રસાર-પ્રચાર માધ્યમોમાં દાઢી અને બાઇકધારી ગુરુને જોઇને ઉત્સુકતા થઇ હોય તો માટી બચાવવાના પ્રશ્નની ગંભીરતા સમજવી જોઇએ – માઇનસ સદગુરુ. જાત-ભાતના પ્રદૂષણોની ચર્ચા માંડીએ તો થોથાં ભરાય.

પાણીની તંગી, હવાનું પ્રદૂષણ, અનાજની તંગી, ધ્વનિ પ્રદૂષણ જેવું તો કેટલું ય છે જેનો કોઇ અંત નથી. વળી સતત આધુનિકીકરણ તરફ પગલાં ભરતી આ દુનિયામાં બગાડના પ્રકારોમાં પણ ઉમેરા થતા રહે છે. ઇ-વેસ્ટ જેવા નવા બગાડો અને પ્રદૂષણો પોંખતા હોઇએ ત્યારે સાવ પ્રાથમિક ગણાતી માટીની ચિંતા કરવાનું ભૂલી જઇએ એમ થાય તે સ્વાભાવિક છે. આપણું અન્ન, રોજબરોજના વપરાશની જાતભાતની ચીજો જ નહીં પણ આપણા શરીરના વિકાસમાં કામ લાગતા પોષક તત્ત્વો પણ જમીન એટલે કે માટીમાંથી જ મળે છે. એ પણ કડવી વાસ્તવિકતા છે કે માટી મરી રહી છે અને આપણે વૈશ્વિક સ્તરની ખાદ્ય તંગીની દિશામાં ધસી રહ્યા છીએ.

ભૂખે ન મરવું હોય તો માટી બચાવવી પડશે. યુનાઇટેડ નેશન્સના એક રિપોર્ટ અનુસાર દુનિયાની 52% ખેતી લાયક જમીનનું પતન થઇ ગયું છે. આ રિપોર્ટ અનુસાર વર્તમાન સમયમાં આપણે અનાજ ઉત્પાદન કરવા માટે જે જમીનનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી અડધોઅડધ જમીનમાં સારી ગુણવત્તાનું ધાન ઉગાડવા જરૂરી પોષક તત્ત્વો પણ નથી. એકનું એક લાગે પણ એક કાયમી સત્ય એ છે કે માટીનું પતન જેટલું ઝડપથી થઇ રહ્યું છે એટલી જ ઝડપથી આખી ય દુનિયાની વસ્તી પણ વધી રહી છે. આગામી 20 વર્ષમાં દુનિયાની વસ્તી 9.5 બિલિયન થઇ જશે.

આપણને એવો આત્મવિશ્વાસ હોય કે બધું બદલાઇ જશે કારણ કે માણસ પણ તો સડસડાટ પ્રગતિ કરે છે. વળી, અત્યાધુનિક ટૅક્નોલૉજી પણ માણસજાતનો સાથ આપશે – એવું કશું જ થવાનું નથી. આ મામલે આપણે ખાંડ ખાવી પડશે – હા, સવાલ એ ખરો કે ખાંડ ખાવા માટે ઉગાડવી પડે એવી શેરડી ત્યારે કેટલી ઊગતી હશે તેની કોઇ ગેરંટી નથી – સિન્થેટિક શુગર લેવી પડશે કદાચ. આ એટલા માટે કારણ કે આગામી 20 વર્ષમાં અત્યારે આપણે જેટલું અનાજ ઉત્પન્ન કરીએ છીએ તેનું 40% જ કરી શકતા હોઇશું. વૈજ્ઞાનિકો સતત એ બાબતે આપણને ચેતવી રહ્યા છે કે હવે આપણી પાસે ખેતીલાયક જમીન / માટી હવે માંડ 40-50 વર્ષ ચાલે એટલી જ છે.

જો હવે આપણે આ બાબતે નહીં ચેતીએ તો રોટલા ભેગા થવા જેટલું અન્ન લાવવાના ફાંફાં પડશે. અત્યારે આપણને આ બધું સાંભળી વાંચીને એમ થાય કે આ તો બધું રિપોર્ટમાં આવે – આવું કંઇ થવાનું નથી. માનો કે ન માનો પણ માટીને મામલે એ તબક્કો દિવસે દિવસે નજીક આવી રહ્યો છે જ્યાંથી પાછા ફરવાનો આપણી પાસે કોઇ રસ્તો નહીં હોય. માટીનું, જમીનનું પતન અટકે એ માટે સરકાર પગલાં લે એની માંગ કરવાનો વખત પાક્યો છે.

આમ તો કાર્બનનું ઉત્સર્જન, ગ્રીન પાવર પ્રોડક્શન, સસ્ટેનબિલિટી જેવા પર્યાવરણીય અભિયાન આપણને સતત યાદ કરાવે છે કે આપણે જે હાલતમાં છીએ તે જોખમમાં છે. પરંતુ બીજું બધું ય બાજુએ મૂકીને તદ્દન પ્રાથમિક કહેવાય અને જે આપણને જીવાડે છે તેવી માટીને આપણે અવગણીએ એ ખોટું. આપણી આવનારી પેઢીઓના પેટ ભરવા ખાવાનું જ નહીં હોય તો ગ્રીન એનર્જી કે કાર્બન ઉત્સર્જનના પ્રશ્નો સંબોધવાનો કોઇ અર્થ જ નથી.

તેલ – એટલે કે ઓઇલની માફક આ માટી (સોઇલ) પણ મર્યાદિત સ્રોત છે. ખેતી કરવામાં આપણે જમીનમાંથી જેટલા પોષક તત્ત્વો લઇ લઇએ છીએ એટલા ‘રિસ્ટોર’ નથી કરતા. માત્ર અમેરિકામાં જ ભૂતકાળમાં હતી એ સ્તરની માટી પુનઃસ્થાપિત કરવામાં બીજા 200 વર્ષ નીકળી જાય તેમ છે. ધૂળ અને માટીને હળવાશથી ન લેવા કારણ કે તેનાથી આખેઆખી સંસ્કૃતિઓ પણ ધોવાઇ જાય છે. જમીનના ધોવાણથી માત્ર ફળદ્રુપ જમીનની ખોટ જાય છે તેમ નથી. પ્રદૂષણ વધે અને નદી-ઝરણાઓમાં કાંપ પ્રદેશ વિસ્તરે – આમ પાણીના વહેણમાં અવરોધ આવે, જળચરોનો નાશ થાય. પડતર જમીનમાં પાણીનો સંગ્રહ ન થાય અને પૂરનું જોખમ વધે. આ રીતે જમીનની સાથે સંસ્કૃતિઓ પણ ધોવાઇ જાય.

માટીની ગુણવત્તા નબળી પડે તો માત્ર ધાન પર અસર નથી થતી પણ હવાથી ઊડીને જળાશયો પર પડતી માટીને કારણે લીલનું પ્રમાણ વધે જે પાણીમાંનો ઑક્સિજન લઇ લે અને જળચર અને જળ વનસ્પતિનો નાશ થાય. મેક્સિકોની ખાડીના અમુક હિસ્સાઓમાં ડેડ ઝોન્સ વિકસી ચૂક્યા છે. ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને માટીનું જતન કરવું જોઇએ કારણ કે ધરતીના સ્તર પર રહેલાં માટીના 18 ઇંચના સ્તરમાં સૂક્ષ્મ જીવો હોય છે જે ફળદ્રુપતા, ખેતી, માટીની સ્વસ્થતા માટે અનિવાર્ય હોય છે. માટી જીવંત હોય છે, કૃત્રિમ ખાતર જે બે-ચાર પોષક તત્ત્વોના વિકલ્પનું કામ કરે છે તે માટીના સંકુલ બંધારણ માટે પૂરતા નથી. માટીની કુદરતી શક્તિ માટે જરૂરી એવી સૂક્ષ્મ જીવ સૃષ્ટિને હળવાશથી ન લેવી જોઇએ, તે માટી અને અન્ન બંન્નેની પૌષ્ટિકતા વધારે છે.

આપણે તો ખેતીપ્રધાન રાષ્ટ્ર છીએ જ પણ આખી દુનિયા ધાન પર નભે છે. માટીને બચાવીશું નહીં તો ભવિષ્ય જોખમમાં છે. ખેડૂતોની ફિકર હોય તો તેમની સફળતા ખાતર પણ સ્વસ્થ માટી અનિવાર્ય છે. માટીનું ધોવાણ અટકાવવું, તેના પોષક તત્ત્વોનું પતન ન થાય અને તે વધે તેની તકેદારી રાખવી, માટીમાં રહેલા કાર્બનની રક્ષા કરવી જરૂરી છે – આ માટે સરકારો, વૈજ્ઞાનિકો અને ખેડૂતોએ એક થવાની જરૂર છે. સત્તાની ખેંચતાણમાં, ઉદ્યોગોના સિક્કા જમાવવામાં, સ્વાર્થ માટે જંગલો ખતમ કરવામાં, માંસાહારને પહોંચી વળવા ઢોરો માટે ચરવાની જમીનો વિસ્તારવામાં ખરેખર જ પગ તળેથી જમીન ખસી જશે.

બાય ધ વેઃ
કબીરનો જાણીતો દોહો છે, ‘માટી કહે કુમ્હાર સે તુ ક્યા રૌંદે મોય, એક દિન ઐસા હોયેગા, મૈં રૌદુંગી તોય…’– આ દુહાનો વિચારવિસ્તાર કરવાની જરૂર નથી. આપણે શું કરીએ છીએ તે આપણે જાણીએ છીએ. રાજકીય હેતુ ખાતર અને સોશ્યલ મીડિયા પર કૂલ દેખાવા માટે સેવ ધી સોઇલના ત્રાગા કરવાની કોઇ જરૂર નથી. આ ગંભીર પ્રશ્નો છે જેને ગંભીરતાથી ઉકેલવા વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદોના કામને સમજી નીતિઓ બદલવાનો વખત આવ્યો છે. માટી સુરક્ષિત હશે તો માણસજાત સલામત રહેશે. ઉપરછલ્લા અભિયાનોથી પુનર્જીવન નહીં મળે, દેખીતી રીતે પ્રામાણિક લાગતા અભિયાનોમાં હાઇ સોસાયટીની પોકળ નૈતિકતાનું ક્લેવર માત્ર હોય છે.

Most Popular

To Top