પોલીસ ઇન્સ્પેક્ટર લીવ રિઝર્વ મુકાયાં, મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં
(પ્રતિનિધિ) લુણાવાડા તા.4
મહિસાગર જિલ્લા પોલીસ બેડામાં પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના પ્રેમપ્રકરણ બહાર આવતાં જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક બન્ને સામે પગલાં ભર્યાં છે. જેમાં પીઆઈને લીવરિઝર્વ અને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યાં છે. આ કિસ્સામાં કોન્સ્ટેબલના પતિએ બુટલેગરોના હપ્તાનો ચીઠ્ઠો પણ વાયરલ કરતાં મામલો ગરમાયો છે.
વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા પોલીસ ઇન્સ્પેક્ટર દરજજાના અધિકારી અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે લાંબા સમયથી ચાલતું પ્રેમપ્રકરણ ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ વાત ચારેક મહિના પહેલા બહાર આવી હતી. જેને પગલે તત્કાલીન જિલ્લા પોલીસ વડાએ પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બદલી કરી હતી. પરંતુ આ પ્રેમકરણનો અંત આવ્યો નહતો. પીઆઈ યેનકેન પ્રકારે ઓનડ્યુટી કે ઓફ ડ્યુટી હોય તે સમયે કોન્સ્ટેબલ સુધી પહોંચી જતાં હતાં અને રંગરેલીયા બનાવતાં હતાં. આખરે આ મામલાની જાણ કોન્સ્ટેબલના પતિને થતાં તે ભડકયો હતો. પ્રથમ તો તેણે કોન્સ્ટેબલનો મોબાઇલ જ લઇ લીધો હતો. જેમાં પીઆઈ સાથેના અનેક વાંધાજનક ફોટા મળી આવ્યાં હતાં. એટલું જ નહીં બુટલેગર સાથેના હિસાબ – કિતાબોનો ચીઠ્ઠો પર હાથમાં આવી ગયો હતો. આ ચીઠ્ઠો તો વાયરલ પણ કરી દીધો હતો.
મહિસાગર જિલ્લા પોલીસના ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ વચ્ચેના પ્રેમપ્રકરણમાં ખાખી લજવાણી છે. એક તરફ આ પ્રેકરણથી બેડામાં ચકચાર મચી છે. બીજી તરફ બુટલેગર પાસે લેવાતા હપ્તાની ચીઠ્ઠી પણ વાયરલ થઇ છે. આ સમગ્ર મામલે મહિલા કોન્સ્ટેબલના પતિએ જિલ્લા પોલીસ વડાને રજુઆત કરતાં તેઓએ તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રિઝર્વમાં મુકી દીધાં હતાં. જ્યારે મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
મહિલા કોન્સ્ટેબલે પીઆઈ સાથે મળીને પતિને મારમાર્યો હતો (બોક્સ)
મહિસાગર જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેના પ્રેમપ્રકરણની જાણ થતાં કોન્સ્ટેબલના પતિએ જિલ્લા પોલીસ વડા સુધી રજુઆત કરી હતી. જોકે, આ રજુઆતથી પોલીસ ઇન્સ્પેકટર ભડક્યાં હતાં અને તેને કોઠંબા ચોકડી પર બોલાવ્યો હતો. જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર સાથે મહિલા કોન્સ્ટેબલ પણ હતી. આ બન્નેએ ભેગા થઇ મારમાર્યો હતો. આ અંગે કંટ્રોલરૂમમાં જાણ કરતાં ટીમ પહોંચી હતી. પરંતુ પતિ – પત્ની અને વોનો મામલો હતો. આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટરની જ સંડોવણી હોવાથી પગલાં ભરાયાં નહતાં. પરંતુ વાત એસપી સુધી પહોંચતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
બન્નેની બદલી છતાં પ્રેમ પ્રકરણનો અંત આવ્યો નહતો (બોક્સ)
મહિસાગર જિલ્લા પોલીસમાં ચર્ચાનો વિષય બનેલા પ્રેમપ્રકરણમાં જે તે સમયે જ એસપીએ કક્ષાએ બન્નેની બદલી કરતો ઓર્ડર કરવામાં આવ્યો હતો. આમ છતાં આ પ્રેમપ્રકરણનો અંત આવ્યો નહતો. પોલીસ ઇન્સ્પેક્ટર ફરજ પરથી ગુલ્લી મારીને કોન્સ્ટેબલ પાસે પહોંચી જતાં હતાં.
પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી કરવા આઈજીને રિપોર્ટ કરાયો (બોક્સ)
રાજ્યના પોલીસ વિભાગમાં પોલીસ ઇન્સ્પેક્ટર દરજ્જાના અધિકારીને સસ્પેન્ડ કરવાની સત્તા જિલ્લા પોલીસ વડા પાસે નથી. આથી, મહિસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને તાત્કાલિક અસરથી પીઆઈને લીવરિઝર્વમાં મુક્યાં છે. આ અંગે તેઓએ કાર્યવાહી કરવા રેન્જ આઈજીને વિસ્તૃત અહેવાલ મોકલી આપ્યો છે. જેના પગલે આગામી દિવસોમાં પીઆઈ પણ સસ્પેન્ડ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.