સમયસર સારવાર ન આપી કંપનીવાળાએ મારા પિતાનું મર્ડર કર્યું છે, મૃતક પિતાની દીકરીનો આક્ષેપ
કંપની સંચાલકોએ કોઈ મદદ ન કરતા મૃતકના પરિવારના સભ્યોએ ન્યાય માટે પોલીસ અધિક્ષકને રજૂઆત કરી
વડોદરા તા.4
મંજુસર ખાતે આવેલી કંપનીમાં શાહ ટ્રાવેલ્સના ડ્રાઇવરનું ચક્કર આવ્યા બાદ હૃદય રોગના હુમલાના કારણે મોત નીપજ્યું છે. છેલ્લા પંદર દીવસથી મૃતકના પરિવારના સભ્યો ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ કંપની સંચાલકોના પેટનું પાણી હાલતું નથી. જેથી પરિવાર રોષે ભરાયો છે અને તેમની દીકરીએ તો સમયસર સારવાર ન આપી કંપનીએ મારા પિતાનું મર્ડર કર્યું છે, તેવો આક્ષેપ કર્યો છે. આખરે પરિવાર વડોદરા પોલીસ અધીક્ષકની કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો અને કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વડોદરા શહેર નજીક આવેલા મંજુસર ખાતે આવેલી એબીપી ઈન્ડક્શન કંપનીમાં શાહ ટ્રાવેલ્સના ડ્રાઈવર જયદીપ ચિરંજીલાલ ગોઠવાલને એકાએક ચક્કર આવ્યા હતા. ત્યારબાદ હૃદય રોગનો હુમલો થતા શાહ ટ્રાવેલ્સના ડ્રાઈવરનું મોત થયું હતું. જેના સંતાનો સહિતના પરિવારના સભ્યોએ ભારે આક્રંદ મચાવ્યો હતો.
મૃતકના પરિવારના સભ્યો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી. પરંતુ ઘટનાના સવા મહિના બાદ પણ પરિવારને કોઈ મદદ ન મળતા પરિવાર વડોદરા પોલીસ અધીક્ષકની કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યો હતો અને કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામા આવી હતી.
ત્યારે ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, જયદીપભાઈ ચાલતા ચાલતા અચાનક પડી જાય છે. ત્યારબાદ કેટલાક લોકો તેમને ઉચકીને રૂમમાં લઈ જતા જોવા મળી રહ્યા છે અને જ્યાં તેમને ચા, પાણી અને ફળો આપવામાં આવ્યા હતા. તેમને ચા સફરજન નહીં પણ સારવારની જરૂર હતી, સમયસર સારવાર આપવામાં ન આવતા તેમનું મોત થયું છે એવો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતકના પરિવારજનો છેલ્લા એક મહિનાથી રઝળપાટ કરી રહ્યા છે, પણ તેમને કોઈ મદદ કરવામાં આવતી નથી.
મૃતકની દીકરી જીનલ ગોઠવાલે આક્રંદ અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે સમયસર સારવાર ન આપીને કંપનીવાળાઓએ મારા પિતાનું મર્ડર જ કર્યું છે. હું અને મારી બહેનો બાપ વગરના થઈ ગયા છીએ. અમારે પપ્પા માટે ન્યાય જોઈએ છે. કંપનીની ભૂલના કારણે અમારે ભોગવવાનો વારો આવ્યો છે અને હવે કંપનીએ હાથ અધ્ધર કરી લીધા હોય કેમ ચાલે. મૃતકના પત્ની મનિષા ગોઠવાલે જણાવ્યું હતું કે, ઈન્ડક્શન કંપનીની અંદર આ ઘટના બની હતી. મારા પતિને સાડાચાર વાગ્યાની આસપાસ ચક્કર આવ્યા હતા. દોઢ કલાક સુધી તેઓને કંપનીમાં જ રાખ્યા હતા અને સમયસર સારવાર ન મળતા તેમનું ત્યાં જ મોત થઈ ગયું હતું. કંપનીવાળાઓએ મારા પતિને ચા અને સફરજન ખવડાવ્યા હતા પણ તેમને ચક્કર આવે ત્યારે ડોક્ટરની જરૂર હતી. કંપનીની બેદરકારીને કારણે મારા પતિનું મોત થયું છે. મારે ત્રણ દીકરીઓ છે ઉપરાંત મારા ઘરમાં મારા પતિ એકમાત્ર કમાનાર વ્યક્તિ હતા. કંપનીવાળા કઈ મદદ કરવા તૈયાર નથી અને તમારા પતિ અમારા કર્મચારી નહોતા. જેથી પરિવારે ન્યાન ની માંગણી કરી છે.