ભાલેજ ગામમાં ટ્રાફિકના મુદ્દે અચાનક હજારના ટોળાએ પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો કર્યો
ભાલેજ પોલીસે જિલ્લામાં જાણ કરતાં એસઓજી અને એલસીબી સહિતનો કાફલો ખડકાયો
(પ્રતિનિધિ) ઉમરેઠ તા.3
આણંદના ભાલેજ ગામમાં ગૌવંશ કતલના નેટવર્ક પકડાયાં બાદ અચાનક જ ટ્રાફિકનો મુદ્દો આગળ ધરી રવિવારની રાત્રે ગ્રામજનોએ ભાલેજ પોલીસ સ્ટેશનને બાનમાં લેતાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. અલબત્ત, ભાલેજ પોલીસે જિલ્લામાં મદદ માંગતા આસપાસના પોલીસ સ્ટેશન અને એલસીબી તથા એસઓજીની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને સ્થિતિ સંભાળી હતી. અલબત્ત, આ મામલે વ્હેલી સવાર સુધી કોઇ ગુનો નોંધાયો નહતો. પરંતુ અચાનક થયેલી આ ગતિવિધિથી પોલીસ પણ ચોંકી ગઇ છે.
ભાલેજ ગામમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકનો મુદ્દો ચર્ચાના ચગડોળે ચડ્યો છે. આ અંગે એક વખત આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. જેથી પોલીસ દ્વારા ગામમાં પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. આ પેટ્રોલીંગ દરમિયાન કેટલાક તોફાની તત્વો આડા બાઇક મુકી દેતાં હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આથી, ભાલેજ પોલીસે તેમની સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ રવિવારની રાત્રે ભાલેજ પોલીસ બહાર અચાનક એક હજારથી પણ વધુ વ્યક્તિનું ટોળું એકત્ર થયું હતું અને હોબાળો મચાવ્યો હતો. હજુ ભાલેજ પોલીસ કંઇ સમજે તે પહેલા ટોળાએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી દીધો હતો. આથી, મામલો ગંભીર બનતાં ભાલેજ પોલીસ દ્વારા તાત્કાલિક જિલ્લા કંટ્રોલમાં જાણ કરવામાં આવી. જેના પગલે આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને આસપાસના પોલીસ સ્ટેશનમાંથી તાત્કાલિક કાફલો ભાલેજ પોલીસ મથકે પહોંચ્યો હતો અને મામલાને થાળે પાડવા ચક્રોગતિમાન કર્યાં હતાં. આ અંગે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, ભાલેજમાં લાંબા સમયથી પોલીસ દ્વારા ટ્રાફિકનું નિયમન કરાઇ રહ્યું નથી. આ અંગે રજુઆત કરવા ગ્રામજનો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાલેજ પાસે ટ્રાફિકનું સમાધાન કરવા ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. હાલ ઓવરબ્રિજનું બાંધકામ ચાલુ હોવાથી ઓડ, સારસા તરફથી ભાલેજનો રસ્તો થોડા સમય માટે બંધ કરવાંમાં આવ્યો છે. આથી ઓડ, સારસા, વડોદરા તરફથી આવતા વાહનો ભાલેજ ગામમાં થઈને ભાલેજ બસ સ્ટેન્ડ તરફ નીકળી રહ્યા છે. આથી, ભાલેજ પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક નિયમન કરવા ટીમો તૈનાત કરવામાં આવી છે.
