સમારકામ હેતુ આગામી 15 દિવસ સુધી ફાટક નં 244 બંધ રહેશે
રાહદારીઓ અને વાહનચાલકો ફાટક નંબર 245 ,246 અને આર.ઓ.બી.રણોલીનો ઉપયોગ કરી શકશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.23
ભારદારી વાહનો માટે રણોલી બ્રિજ બંધ કર્યા બાદ હવે ફાટક પણ બંધ કરવા નિર્ણય લેવાયો છે. રેલવે વિભાગ દ્વારા ફાટક નંબર 244 ના સમારકામ હેતુ તેને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 7 ઓક્ટોબર 15 દિવસ રાત્રિના આઠ વાગ્યા સુધી ફાટક સંપૂર્ણપણે બંધ રહેશે.
વડોદરા શહેર નજીક આવેલ રણોલી ખાતે નો રેલવે ફાટક નંબર 244 ને સમારકામ હેતુ રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યો છે. અગત્યના કામ હેતુ આજથી આ ફાટક 7 ઓક્ટોબર રાત્રિના આઠ વાગ્યા સુધી 15 દિવસ માટે સંપૂર્ણ બંધ રાખવાની જરૂર પડી હોય તેથી આ સમારકામ દરમિયાન રેલ્વે ફાટક નંબર 244 નો ઉપયોગ કરનાર તમામ રાહદારીઓ તેમજ વાહન ચાલકો રેલવે ફાટક નંબર 245 , 246 તેમજ આરઓબી રણોલી નો ઉપયોગ કરી શકશે. નોંધનીય છે કે, પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અનેક લોકોને હલાકી પડી રહી છે. ખેડૂતોથી માંડી કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ ટ્રાન્સપોર્ટરો સહિત અભ્યાસ અર્થે અવરજવર કરતા વિદ્યાર્થીઓને પણ ઘણી હાલાકી પડી રહી છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોને લાંબા કિલોમીટર સુધી ફરીને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવાની ફરજ પડી રહી છે. ત્યારે બીજી તરફ નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં અનેક કંપનીઓ આવેલી છે ત્યારે નજીકમાં જ આવેલી રણોલી બ્રિજ અને ફાટકનો અવરજવર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે હવે રણોલીનો ફાટક બંધ કરવામાં આવતા કેટલાક ઉદ્યોગકારો તો એમ કહે છે કે, રણોલીનો બ્રીજ વર્ષ 2023માં બનાવ્યા બાદ પણ ભારદારી વાહનો માટે જોખમકારક હોય તો આ બ્રિજને તોડી પાડો અને જુની ફાટક સિસ્ટમ શરૂ કરી દો ભારદારી વાહનો માટે રણોલી બ્રિજ બંધ કર્યા બાદ હવે રેલવે વિભાગે ફાટક પણ બંધ કરતા ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.