ભારતમાં લોકડાઉનના સાત દિવસ : સરકાર 10 હોટસ્પોટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે

કોરોનાવાયરસને ફેલાતો રોકવા ભારતમાં ૨૧ દિવસનો લોકડાઉન જાહેર કરવામાં આવ્યો તેનો આજે સાતમો દિવસ હતો અને સરકાર દેશમાંના એવા દસ હોટસ્પોટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જ્યાંથી આ વાયરસ અસાધારણ રીતે ફેલાયો હોવાનું જણાયું છે.
જે દસ હોટસ્પોટ પર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તેમાં દિલ્હીના બે સ્થળો – દિલશાદ ગાર્ડન અને નિઝામુદ્દીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નોઇડા, મેરઠ, ભીલવાડા, અમદાવાદ, કાસારગોડ, પથનમથીટ્ટા, મુંબઇ અને પુણેનો આ હોટસ્પોટમાં સમાવેશ થાય છે. ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામના એક સૂત્રએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે જ્યાં દસ કરતા વધુ કેસો હોય તે વિસ્તારને અમે ક્લસ્ટર તરીકે જાહેર કરીએ છીએ અને જ્યાં આવા ઘણા ક્લસ્ટરો હોય તે વિસ્તારને અમે હોટસ્પોટ જાહેર કરીએ છીએ. કેટલીક વાર આમાં કેસો લોકલ પ્રકારના હોય છે જ્યારે કેટલીક વખત એટલા વ્યાપક હોય છે કે આખું શહેર તેમાં આવી જાય છે. અમદાવાદ આમાં એક અપવાદ બન્યું છે જ્યાં ફક્ત પાંચ કેસો થયા, પરંતુ ત્રણના મૃત્યુ થઇ ગયા તેથી તેને હોટસ્પોટ ગણી લેવામાં આવ્યું છે. પાંચ કેસો અને ત્રણના મોત એ અસાધારણ બાબત છે.
આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે હોટસ્પોટમાં અમે ટેસ્ટીંગ વધારી રહ્યા છીએ. પણ ટેસ્ટીંગ ફક્ત ટેસ્ટીંગ પ્રોટોકોલ મુજબ જ કરવામાં આવશે. સરકારની સ્થિતિ એવી છે કે અત્યાર સુધી કોઇ કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથી. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગરવાલે જણાવ્્યું હતું કે ઉભરતા હોટસ્પોટસનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. અમે સખત સર્વેલન્સ કરીશું અને આ સ્થળોએ ફેલાવો અટકાવવાના પ્રયાસો કરીશું. તેમણે જણાવ્યું હતું કે જેમને કોઇ લક્ષણો દેખાતા નહીં હોય તેવા લોકો પણ પોઝિટિવ નીકળે તેવી સ્થિતિ ભારતમાં નહીંવત છે.

Related Posts