Vadodara

ભારતની પરાક્રમી સેનાને તિરંગા યાત્રા મારફતે વડોદરાની સલામ

તિંરગા યાત્રા – રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોને અભિનંદન



ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં ૧૩ થી ૨૩ મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે, ત્યારે આજે વડોદરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિન્કીબેન સોની અને અન્ય મહાનુભાવોએ ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા વડોદરાના વિવિધ સંગઠનો દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને આરાધના સિનેમા પાસેથી ફ્લૅગ ઑફ કરાવી હતી. આ મહાનુભાવો ભારતીય તિરંગા સાથે આ તિરંગા પદયાત્રામાં સહભાગી થયા હતા.

તિરંગા યાત્રાના રૂટ પર ઠેર ઠેર સૌનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના ગીતો એ શહેરીજનોમાં અદમ્ય જોશ અને ઉત્સાહ ભરી દીધો હતો. આ તિરંગા યાત્રાના અંતમાં ઓપરેશન સિંદૂર દરમિયાન શહીદ થયેલા આપણા પાંચ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

દેશની એકતા, અખંડિતતા જાળવવાની સાથે આપણી સેનાનું મનોબળ વધારતી આ તિરંગા યાત્રાની શરૂઆત આરાધના સિનેમાથી થઈ હતી, ત્યાંથી સલાટવાડા-કોઠી ચાર રસ્તા- રાવપુરા પોલીસ સ્ટેશન-જ્યુબેલીબાગ થઈને અમદાવાદી પોળ ખાતે આ યાત્રાનું સમાપન થયું હતું.

શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોની સહિત રાજકીય અગ્રણીઓ, પૂર્વ સૈનિકો, કાર્યકર્તાઓ, વિવિધ સંસ્થાઓના લોકો, એન. સી. સી. કેડેટ્સ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.


Most Popular

To Top