Vadodara

ભાયલી ટી.પી. ૧ વિસ્તાર સત્તાવાર રીતે ‘અશાંતધારા’ હેઠળ સામેલ

ટી.પી. ૩-૪ બાદ હવે ટી.પી. ૧ નો પણ વિસ્તાર સુરક્ષા અને કાયદાકીય દાયરામાં આવતા નાગરિકોમાં રાહત

ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શનથી અને સ્થાનિક આગેવાનોના અથાક પ્રયત્નો થકી પ્રશ્નનો સુખદ અંત આવ્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૦

શહેરના ઝડપથી વિકસતા ભાયલી વિસ્તારમાંથી એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. ભાયલી ટી.પી. ૩ અને ટી.પી. ૪ બાદ હવે ભાયલી ટી.પી. ૧ નો વિસ્તાર પણ અશાંતધારા હેઠળ સામેલ કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી આ વિસ્તારના રહીશોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી છવાઈ ગઈ છે.

ભાયલી ટી.પી. ૧ ના નાગરિકો લાંબા સમયથી આ વિસ્તારને અશાંતધારા હેઠળ આવરી લેવા માટેની પ્રબળ પ્રાર્થના અને રજૂઆતો કરી રહ્યા હતા. આ લોકહિતના પ્રશ્નને પાર પાડવા માટે ભાયલી ટી.પી. ૧ ના આગેવાનો કશ્યપ ત્રિવેદી અને નીરવ પંડ્યા સહિતના અગ્રણીઓએ અથાક પ્રયત્નો હાથ ધર્યા હતા.

આ સમગ્ર પ્રક્રિયામાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાનું માર્ગદર્શન અને સક્રિય સહયોગ ખૂબ જ નિર્ણાયક સાબિત થયો. સ્થાનિક આગેવાનોની રજૂઆતને માન આપીને ધારાસભ્યએ યોગ્ય સ્તરે રજૂઆતો કરી આ પ્રશ્નને ત્વરિત ઉકેલ તરફ દોરી જવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ કાયદાકીય સમાવેશના અમલીકરણથી ભાયલી ટી.પી. ૧ ના નાગરિકોએ સુરક્ષા અને સુખ-શાંતિની અનુભૂતિ વ્યક્ત કરી છે. વિસ્તારના રહેવાસીઓએ સ્થાનિક આગેવાનો કશ્યપ ત્રિવેદી, નીરવ પંડ્યા અને વિશેષરૂપે ધારાસભ્ય શૈલેષ મહેતાનો આભાર વ્યક્ત કર્યો છે. આ નિર્ણયથી વિસ્તારમાં નવો અને સકારાત્મક માહોલ ઊભો થયો છે.

Most Popular

To Top