કૂતરાને બચાવવા જતા બાઇક સ્લીપ થઇ કમકમાટી ભર્યું મોત.
રોડ ઉપર રખડતા પશુઓના કારણે વધુ એક નિર્દોષ મોતને ભેટ્યો.

બિથલીથી સુરજીપુરા ગામમાં આવી રહેલા યુવાનની બાઈક વચ્ચે કુતરુ આવી જતા પૂર ઝડપે જતી બાઇક સ્લીપ થઇ જતા યુવાન માર્ગ ઉપર ફંગોળાયો હતો. લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયેલા આશાસ્પદ યુવાનનું મોત નીપજતા નાનકડા ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.
શિનોર તાલુકા નજીક આવેલા બીથલી ગામ થી પોઇચા જવાના રોડ ઉપર બે દિવસ પહેલા સમી સાંજે લોહિયાળ અકસ્માત સર્જાતા જુવાન જોર યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું.
ગમખાર દુર્ઘટના અંગે મૃતક ચંદ્રેશ નગીનભાઈ વસાવા (ઉંમર વર્ષ 24) રહે: ગામડી, નાંદોદ પોઇચાના સાઢુભાઈ સર્જન રમેશભાઈએ જણાવ્યું હતું કે મૃતકના બહેનની પુત્રીના બાબરી પ્રસંગે પરિવારજનો ઉત્સાહભેર પોતપોતાના વાહનો લઈને ગયા હતા છ તારીખે સાંજે રંગે ચંગે શુભ પ્રસંગ મનાવીને પરિવારજનો પોત પોતાના ગામ તરફ ફરતા હતા ચંદ્રેશ પોતાની બાઈક ઉપર એકલો હતો અન્ય પરિવારજનો પોતપોતાના વાહન ઉપર આસપાસ હતા બીથલી ગામ થી થોડે જ આગળ ચંદ્રેશની બાઇકની સામે કૂતરું આવી જતા ચંદ્રશે બચાવવાનો પ્રયાસ કર્યો હતો બનાવના પગલે બાઈક ધડાકાભેર સ્લીપ થઈ ગઈ હતી માર્ગ ઉપર ચંદ્રેશ પટકાતા જ માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી લોહિયાળ બનાવના પગલે તુરંત પરિવારજનો મદદ અર્થે દોડી ગયા હતા. જીવન મરણ વચ્ચે જોલા ખાતા ચંદ્રેશ ને મોટા ફોફળિયા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ હાલત ગંભીર જણાતાં સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર લવાયો હતો જ્યાં તબીબી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
મૃતકના પરિવારએ જણાવ્યું હતું કે પોઈચાના સ્વામિનારાયણ મંદિરમાં પ્લમ્બિંગ કામ કરીને ચંદ્રેશ તેના માતા-પિતાને આર્થિક સહાય કરતો હતો અપરણીત ચંદ્રેશ મળતાવળા સ્વભાવનો હોવાથી સૌને મદદ કરતો હતો પરિવારજનોની નજર સામે યુવાને જીવન લીલા સંકેલી લેતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.
અકસ્માતના બનાવ અંગે પારુલ બેન નગીનભાઈ વસાવા એ સિનોર પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
