ભરૂચમાં લારી-ગલ્લા ચાલુ રાખવા મંજૂરી માંગવા આવેલા લોકો સામે તંત્રની લાલ આંખ

લોકડાઉન અને ધારા ૧૪૪ ભરૂચમાં લાગુ કર્યા બાદ તંત્રના બેવડા ધોરણો સામે આવ્યા છે. ચાર ચાર દિવસ સુધી કલેક્ટર કચેરી ગેટ ઉપર લોકડાઉન અને ધારા ૧૪૪ નો ભંગ કરનાર ઉદ્યોગોના અધિકારીઓએ સામે રહેમ નજર રાખનાર તંત્રએ સોમવારના રોજ લારી ગલ્લા ચલાવવા માટે મંજૂરી માંગવા આવેલા લોકટોળાં સામે કાયદાનો કોયડો વિંઝવાની ઘટના બહાર આવી છે.

ભરૂચમાં લોકડાઉન અને ધારા ૧૪૪નું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ ભરૂચ જિલ્લાના ઉદ્યોગોના સંચાલકો તેમના ઉદ્યોગોની મંજૂરી મેળવવા માટે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા. સતત ત્રણથી ચાર દિવસ સુધી આ ઉદ્યોગોના સંચાલકોનો મેળાવડો કલેક્ટર કચેરીના ગેટ પાસે લાગતો હતો. જ્યાં લોકડાઉન અને ધારા ૧૪૪નો સરેઆમ ભંગ થતો હતો. આમ છતાં તંત્ર કે પોલીસ દ્વારા એક પણ ઉદ્યોગના સંચાલકો સામે ધારા ૧૪૪ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જ્યારે બીજી તરફછેલ્લા એક અઠવાડીયાથી ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતા લારી ગલ્લાવારાઓ મંજૂરી મેળવવા માટે સોમવારે મામલતદાર કચેરીએ આવ્યા હતા. જ્યાં તંત્રએ ગરીબ અને લાચાર લારી ગલ્લાવાળાઓ પર કાયદાનો કોયડો વિંઝ્યો હતો. મામલતદાર કચેરીમાં જવા માટે પ્રયાસ કરનાર હુસેનીયા વિસ્તારના મદીના પાર્ક ખાતે રહેતી મહિલા રૂકૈયા મુબીન ઈસ્માઈલ ખત્રીની અટકાયત કરી તેની સામે ધારા-૧૪૪ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

Related Posts