Bharuch

ભરૂચના BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની સ્ફોટક ધમકી મળતા પોલીસ હરકતમાં આવી

તપાસ કરતા આરોપી ભરૂચનો નીકળ્યો,પોતાના ભાઈઓને ફસાવવા શખ્સે કંટ્રોલરૂમમાં બે વખત કોલ કર્યો

ઝીણવટભરી તપાસમાં પારિવારિક વિવાદમાં પગલું ભર્યાનું ખૂલ્યું

ખોટી માહિતીથી ઉશ્કેરણી કરનાર સામે કાર્યવાહી


ભરૂચ,તા.15
ભરૂચ શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરને ઉડાવી દેવાની સ્ફોટક ધમકી મળતાં ભારે સળવળાટ મચી ગયો હતો.ભરૂચ પોલીસ કંટ્રોલરૂમને બે વખત કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી.સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
ધમકીભર્યા કોલ બાદ પોલીસ વિભાગ હરકતમાં આવી હતી.સઘન તપાસમાં સફારી પાર્ક મકાન નં- B/13 ,ન્યુ શાક માર્કેટ,જંબુસર બાયપાસ,ભરૂચ રહેતો તોસીફ આદમ પટેલનું નામ નીકળતા તેની અટકાયત કરી હતી.પોલીસે તેની સામે ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં B.N.S કલમ 217 અને 353 (2) હેઠળ ગુનો નોંધ્યો છે.
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ખોટી ધમકી આપનાર યુવકને પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.સમગ્ર ઘટનામાં ઝીણવટભરી રીતે તપાસ ચલાવતા આરોપી યુવકે તેણે ખોટી માહિતી આપીને પોતાના ભાઈઓ સામે પોલીસ કાર્યવાહી કરાવવાનો પ્રયાસ કર્યો હતો.જેને ગંભીરતાથી લેતા પોલીસ તંત્રએ તાત્કાલિક તપાસ આરંભી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવના પગલે રાજ્ય પોલીસ તંત્રે ખાસ સતર્કતા અપનાવી છે. ભરૂચના એસ.પી.મયુર ચાવડા તાકીદ કરવામાં આવી હતી કે કોઈ પણ ખોટી, ઉશ્કેરણીજનક કે ભય પેદા કરતી માહિતી આપનાર સામે કડક પગલાં લેવામાં આવશે.

ભરૂચ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું-ચારેક શખ્સ બોમ્બ વિસ્ફોટ કરવાના છે…!!

સમગ્ર ઘટના અંગે ભરૂચ SC/ST સેલ DYSP ડૉ.અનિલ સિસારાએ જણાવ્યુ હતું કે,પોલીસ કંટ્રોલ રૂમ પર અજાણ્યા શખસે રાત્રિના એકથી બે વાગ્યાના વચ્ચે ફોન કરીને જાણ કરી હતી કે ચાર શખ્સો સ્વામિનારાયણ મંદિરે બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારીમાં છે. મળેલી માહિતીના આધારે SOG અને “સી” ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એ.વી.પાણમિયા અને તેમની ટીમોએ તાત્કાલિક પગલાં ભરી ભરૂચ બોમ્બ સ્ક્વોડની મદદથી મંદિર પરિસરમાં તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.

Most Popular

To Top