Charotar

બળોલ ગ્રામ પંચાયતના નકલી લેટરપેડનો ઉપયોગ કરી ગૌવંશની હેરાફેરી ઝડપાઈ, 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

માતર પોલીસે 2 આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સરંક્ષણ અધિનિયમની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો
(પ્રતિનિધિ) નડિયાદ, તા. 4
વડતાલ સ્વામિનારાયણ મંદિરના નામનો દુરુપયોગ કરીને ગૌવંશને ગેરકાયદેસર રીતે કતલખાને મોકલવાના એક સનસનીખેજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગૌરક્ષકો દ્વારા બાતમીના આધારે પશુઓ ભરેલા વાહનોને પકડી પાડવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. તપાસમાં હેરાફેરી માટે બળોલ ગ્રામ પંચાયતના બનાવટી લેટરપેડનો ઉપયોગ કરાયો હોવાનું ખૂલ્યું છે, જેમાં ગાયોને વડતાલ ગામે મોકલવાનો ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં માતર પોલીસે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કુલ 10 લાખ 36 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, માતર પોલીસે જાતે ફરીયાદી બની ગુનો દાખલ કર્યો છે. જેમાં આજે બપોરે રણછોડપુરા ગામની સીમમાં, તબેલા પાસે રોડ ઉપર આરોપીઓ પ્રવિણભાઈ જયંતિભાઈ પરમાર (રહે. વડતાલ) અને અનિલભાઈ પરમાર (રહે. ગાંભોરી) તેમજ અન્ય બે અજાણ્યા શખ્સો ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી કરી રહ્યા હતા. આરોપીઓ ટી.યુ. 1980 વાહનમાં આશરે 7-8 નંગ ઢેરા-વછેરાને ક્રૂરતાપૂર્વક બાંધીને, કોઈ પણ કાયદેસરના લાઇસન્સ કે પરમિટ વગર, ગાયોને કતલ કરવાના ઈરાદે લઈ જતા હતા. ગૌરક્ષકો દ્વારા આ વાહનોને રોકવામાં આવતા અને પોલીસને જાણ કરવામાં આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી કબ્જે કરાયેલી ગાયોની કિંમત 7,18,000 રૂપિયા અને હેરાફેરીમાં વપરાયેલ વાહનની કિંમત 3,18,000 રૂપિયા મળીને કુલ 10,36,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સરંક્ષણ અધિનિયમ-2021 હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં તપાસ દરમિયાન હેરાફેરી કરનારાઓ દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં બળોલ ગ્રામ પંચાયતના નકલી લેટરપેડનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. લેટરપેડમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ ગાયોને બળોલથી વડતાલ ગામે મોકલવામાં આવી રહી છે, પરંતુ જ્યારે બળોલ ગામના સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ લેટરપેડ બનાવટી હોવાનો અને તેમના દ્વારા આવી કોઈ પણ લેખિત મંજૂરી આપવામાં ન આવી હોવાનો ખુલાસો કર્યો હતો. આમ, એક સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થાના નામનો અને ગ્રામ પંચાયતના સત્તાવાર દસ્તાવેજનો દુરુપયોગ કરીને ગૌવંશને કતલખાને મોકલવાનું ષડયંત્ર રચાયું હોવાનું ખૂલ્યું છે. માતર પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવાની તજવીજ શરૂ કરી છે.

Most Popular

To Top