પંચમહાલના કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
કાલોલ :
કાલોલ તાલુકાના જેતપુર ખાતે રહેતા રંગીતભાઇ ડાભઈભાઈ સોલંકીએ 2022મા હીરો કંપનીની મોટરસાયકલ ખરીદી હતી. જે મોટરસાયકલ માટે ચોલા મંડળ ઇન્વેસ્ટમેન્ટ ફાઈનાન્સમાંથી લોન કરાવી હતી. રૂ 3783ના માસિક હપ્તા એમ કુલ 30 હપ્તા ભરવાના હતા તેમજ રૂ 18,500 રોકડા ડાઉન પેમેન્ટ ભર્યા હતા. ગત તા 18/04/25ના રોજ ફરિયાદીનો ભત્રીજો તુષાર મોટરસાયકલ લઇ મધવાસ ગયો હતો ત્યારે બે જણાએ મોટરસાયકલના હપ્તા બાકી છે તેમ કહી ચાવી કાઢી લઈ મોટરસાયકલ લઈ લીધી હતી. જે બાદ ફરિયાદી ગોધરા ઓફિસ ઉપર ગયા હતા અને હર્ષ બારોટ નામની વ્યક્તિને મળ્યા હતા. જેઓએ જણાવ્યું હતું કે અમારી કંપનીની પોલીસી પ્રમાણે સીઝ કરેલું વાહન 12 દિવસમાં અમે વેચી દઈએ છીએ. તમારી મોટરસાયકલ વેચી દીધી છે. જેથી ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમણે 27 હપ્તા રેગ્યુલર ભર્યા છે અને આજે ત્રણ હપ્તા હુ ભરવા તૈયાર છું. મને નોટિસ આપ્યા વગર મારી મોટરસાયકલ કેવી રીતે વેચાય? ત્યારબાદ બીજા દિવસે તા 10/06/25 ના રોજ બપોરના સુમારે ચોલા મંડળ ફાઇનાન્સ કંપનીના આશિષકુમાર જશવંતભાઈ બામણીયા તેમજ આશિષકુમાર ખેંગારભાઈ પટેલે ફરિયાદીના મોબાઈલ ઉપર ફોન કરી ગંદી ગાળો બોલી કહ્યું હતું કે તમારી મોટરસાયકલ સીઝ કરી દીધી છે અને મોટરસાયકલ નહિ મળે. ગોધરા બાજુ આવ તને બતાવીએ, એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
