*આ વિસ્તારમાં નથી પીવાનું પાણી મળી રહ્યું, ઠેરઠેર અસહ્ય ગંદકી વચ્ચે રોગચાળાની દહેશતમા લોકો રહેવા મજબૂર બન્યા*
*કોઇ પણ પ્રકારની સહાય તંત્ર દ્વારા કરવામાં ન આવત સ્થાનિકોમા આક્રોશ
(પ્રતિનિધિ) વડોદરા તા. 31
પાલિકા તંત્રની અણ આવડત, પ્રિમોન્સુનની કામગીરી ફક્ત કાગળ ઉપર અને વેઠ ઉતારાને કારણે સાથે જ શહેરમાં વરસાદી કાંસો, વિશ્વામિત્રી નદી તથા શહેરના તળાવો ઉપર નેતાઓ, બિલ્ડરો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોના કારણે આખું વડોદરા પૂરમાં ત્રણ દિવસ સુધી પૂરપ્રકોપની માર વેઠવા અને તેના કારણે કરોડોની નુકસાની વેઠવા મજબૂર બન્યુ છે. બીજી તરફ ચોથા દિવસથી શહેરમાં પૂરના પાણી ઓસરવાના શરૂ થતાં શહેરીજનોએ આંશિક રાહતનો શ્વાસ લીધો. પરંતુ ખરી સમસ્યા તો જાણે હવે ઉદભવી છે. જ્યાં જુઓ ત્યાં ઠેરઠેર ગંદકી, મૃતક જીવજંતુઓ ને કારણે માથું ફાટે તેવી દુર્ગંધથી રોગચાળાની ભીતિ સર્જાઇ છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગરની સ્થિતિ વધુ દયનિય બની છે. અહીં પૂરના પાણી ઓસર્યા તો છે ત્યારબાદ અસહ્ય ગંદકી નજરે પડી રહી છે વિશ્વામિત્રી નદીના પાણી તથા વરસાદી પાણી સાથે કચરો તણાઇ આવ્યો છે. સાથે સાથે નાની માછલીઓ, દેડકાં વિગેરે મૃત હાલતમાં તણાઇ આવતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય ગંદકી, દુર્ગંધ જેવી નર્કાગાર સ્થિતિ પાલિકાના પાપે થઇ છે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર, અતુલ ગામેચી દ્વારા તંત્રને ટેલિફોનિક, મૌખિક અને સોશિયલ મિડિયાના માધ્યમથી અનેક રજૂઆત કરવા છતાં ના કોઇ નેતા, કાઉન્સિલરો કે શાશકો અહીં દેખાયા છે, ના કામગીરી શરૂ કરી છે. વેરો ભરતી જનતાને પ્રાથમિક સુવિધાઓ આપવાની વાત તો દૂર રહી પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે અને પૂરની સ્થિતિ બાદ પણ અહીં પ્રશાસન મદદે નથી આવ્યું. બીજી તરફ આજે મેયર ખુશાલ મુદ્રામાં જાણે કોઇ જ ચિંતા શહેરની ન હોય તેમ હિન્દ સવરાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે પાલિકા દ્વારા જનતાના ટેક્ષના પૈસે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોવાની ભાષણબાજી કરી મિડિયામાં પ્રચાર કરી રહ્યાં છે . પરંતુ શહેરમાં વાસ્તવિકતા અલગ જ ચિતાર રજૂ કરી રહી છે. લોકોમાં ભારોભાર નારાજગી, આક્રોશ તંત્ર સામે જોવા મળી રહ્યો છે.અહીં લોકો પાસે પીવાનું પાણી નથી અનાજ સહિત ઘરવખરીને, વાહનોને, વીજ ઉપકરણોને નુકસાન થયું છે, બાળકોના પુસ્તકો નષ્ટ થયા છે. પરંતુ જાડી ચામડીના નેતાઓ શાશકો શહેરના વિકાસની વાતો કરી રહ્યાં છે ત્યારે લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો છે.
