માણેજાના વુડાના મકાનમાં 10થી 15 શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો, પથ્થરમારામાં એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા, 6 મહિનાની બાળકીને પણ નીચે ફેંકવાનો પ્રયાસ
વડોદરા તા.5
વડોદરાના મારેઠા ગામ પાસે વુડાના મકાનોમાં પાણીના પૈસાના ઉઘરાણા મામલે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સામસામે થયેલી બોલાચાલી બાદ 10થી 15 લોકોનું ટોળું ઘરમાં ઘૂસી પરિવારજનો સાથે મારામારી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલા દરમિયાન પથ્થર મારતાં એક વ્યક્તિને માથામાં ગંભીર ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતા શીતલબેન જગદીશભાઈના પરિવારનો પાણીના પૈસાના ઉઘરાણા મામલે ત્રીજા માળે રહેતા લોકો સાથે વિવાદ થયો હતો. શરૂઆતમાં બોલાચાલી થઈ હતી, પરંતુ ત્યારબાદ મામલો ઉગ્ર બનતાં 10થી 15 લોકો ઘરમાં ઘૂસી આવ્યા હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન પરિવારજનો સાથે મારામારી કરવામાં આવી હતી. એટલું જ નહીં, છ મહિનાની બાળકીને ખાટલા પરથી નીચે ફેંકી દેવાનો પ્રયાસ કરાયો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
દરમિયાન વચ્ચે પડેલા એક વ્યક્તિના માથામાં પથ્થર મારવામાં આવતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવ બાદ હુમલો કરનારાઓએ જ પોલીસને જાણ કરી હતી અને જાણે ઘટનામાં કંઈ કર્યું જ ન હોય તેમ 112ની પોલીસ ગાડીમાં બેસીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. બીજી તરફ ઈજાગ્રસ્ત સહિત પરિવારજનો ન્યાયની માંગ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.