પરર્ફોમન્સનું દબાણ: વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા, વન-ડે અને ટી-20માં રોહિત કેપ્ટન બને તેવી શક્યતા

છેલ્લાં બે વર્ષમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એકેય સદી નહીં ફટકારી શકનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (VIRAT KOHLI) એ કેપ્ટનશીપનો ભાર હળવો કરવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા રમતજગતમાં ઉઠી છે. આગામી મહિને યોજાનારા ટી20 (T-20) વર્લ્ડ કપ (WORLD CUP) બાદ કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ પર ફોકસ કરવા માટે ટી20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડે તેવી શક્યતા છે. વિરાટ કોહલીએ આ મામલે રોહિત શર્મા (ROHIT SHARMA) અને ટીમ મેનેજમેન્ટ સાથે લાંબી વાતચીત કરી છે. વિરાટ કોહલી પોતે કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરશે. વિરાટ કોહલીનું માનવું છે કે તેણે પોતાની બેટિંગ પર ફોકસ કરવા અને દુનિયાના બેસ્ટ બેટ્સમેન બનવા માટે પાછા ફરવાની જરૂર છે.

બીસીસીઆઈના (BCCI) સૂત્રોએ જણાવ્યું છે કે વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે કેપ્ટનશીપની જવાબદારી વહેંચવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ છેલ્લા કેટલાક મહિનાઓમાં રોહિત શર્મા અને ટીમ મેનેજમેન્ટ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસે ટીમ ઈન્ડિયાની જીત બાદથી આ વાતચીત ચાલી રહી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન કોહલીએ એક ટેસ્ટ મેચ બાદ પેટરનીટી લીવ લીધી હતી. શ્રેણીની તે પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત 36ના નિમ્ન સ્કોર પર ઓલઆઉટ થયું હતું, જેના પગલે ટીમની નાલેશીજનક હાર થઈ હતી. કોહલીના પેટરનીટી લીવ પર ગયા બાદ બાકીની તમામ ટેસ્ટ મેચ અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં ભારત જીત્યું હતું. તે સમયથી જ કેપ્ટન બદલવા અંગે ચર્ચા ઉઠી હતી. આ અગાઉ ટી-20 મેચોમાં હંગામી કેપ્ટન તરીકે રોહિત શર્માનું પ્રદર્શન સારું રહ્યું છે.

ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશીપના દબાણના કારણે વિરાટ કોહલીની બેટિંગ પર અસર પડી રહી છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન કોહલી ટી-20, વન-ડે અને ટેસ્ટ ત્રણેયમાંથી એકેય ફોર્મેટમાં સદી મારી શક્યો નથી. તેથી વિરાટ કોહલી પર સારું પ્રદર્શન કરવાનું દબાણ વધ્યું છે. કોહલીને પણ લાગે છે કે બધા ફોર્મેટમાં તેની બેટિંગને વધુ સમય અને વધુ ઝડપની જરૂર છે. આમ પણ 2022 અને 2023 વચ્ચે ભારત બે વર્લ્ડ કપ (વનડે અને ટી-20) રમવાનું છે, આવામાં તે વધુ જરૂરી બની જાય છે. સૂત્રોએ જણાવ્યું કે વિરાટે એવું પણ મહેસૂસ કર્યું કે તમામ ફોર્મેટમાં કેપ્ટન તરીકે તેની સમગ્ર જવાબદારીઓ તેની બેટિંગ પર ભારે અસર કરી રહી છે. તેને સ્પેસ અને ફ્રેશનેસની જરૂર છે. કારણ કે તેની પાસે ટીમને આપવા માટે હજું ઘણું બધુ છે.

Related Posts