પગપાળા વતન જઈ રહેલી બે મહિલાનાં વાપી દમણ ગંગા રેલવે બ્રિજ ઉપર માલગાડીની અડફેટે મોત

દમણગંગા નદીના રેલવે બ્રિજ ઉપર વહેલી સવારે બે મહિલાઓ માલગાડીની અડફેટે આવી જતાં મોત થયાં હતાં. આ બંને મહિલા મજૂરની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી.

વાપી રેલવે સ્ટેશનથી દક્ષિણ દિશામાં મુંબઇ તરફ જતા દમણગંગા નદીના રેલવે બ્રિજ ઉપર વહેલી સવારે 5 વાગ્યે 2 મહિલાઓ માલગાડીના અડફેટે આવી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે વાપી ટાઉન પોલીસ મથકમાં જાણ કરાતાં પોલીસે બંને માહિલાના મૃતદેહને કબજે કરી વાપીના ચલા PHC સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલાયો હતો. બંને મહિલાઓનાં મૃત્યુ અંગે પ્રાથમિક માહિતી મુજબ રેલવે બ્રિજ પરથી આ મહિલાઓ પસાર થતી હતી. એ સમયે સામેથી ધસમસતી આવતી માલગાડીની અડફેટે આવી જતાં મોત નીપજ્યાં હતાં.

મોતને ભેટેલી મહિલામાં એક મહિલાનો મૃતદેહ બ્રિજ પરથી નીચે પટકાયો હતો. પ્રાથમિક વિગત મુજબ આ મહિલાઓ મૂળ રાજસ્થાનના બાંસવાડાની રહીશ હોવાની વિગતો જાણવા મળી છે. હાલ વાપી ખાતે રહી મજૂરીકામ કરતી ઈન્દુબેન પ્રકાશભાઈ નીનામા (ઉં.વ.40)અને ડુંગરીબેન રાજનભાઈ (ઉં.વ.31) દમણગંગા બ્રિજના રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. ત્યારે આ ઘટના બની હતી. તેમના પરિવારજનો સાથે ટેલિફોનિક વાત થઈ ગઈ છે, અને તેઓ આવતીકાલે વાપી આવી રહ્યા હોવાની વિગતો સાંપડી છે.

Related Posts