નાવનો નાવિક

ગંગા નદીમાં એક નાવ મુસાફરો સાથે જઈ રહી હતી. અચાનક તોફાન આવ્યું અને નાવ તોફાનમાં સપડાઈ. નાવમાં બેઠેલાં બધાં મુસાફરો ડરી ગયાં. તોફાનમાં નાવ બચશે કે નહિ તેમ વિચારી રડવા લાગ્યાં, ચીસો પાડવા લાગ્યાં, મદદ માટે બૂમો પાડવા લાગ્યાં.

નાવનો નાવિક

બધાં ગભરાયેલાં યાત્રિકો વચ્ચે એક છોકરી સાવ શાંત કોઈ પણ ડર વિના બેઠી હતી. જાણે તેને તોફાનનો કે મૃત્યુનો કોઈ ભય ન હતો. એક નાનકડી છોકરીને આમ મૃત્યુના ઓથાર હેઠળ પણ સાવ શાંત બેઠેલી જોઇને ચીસાચીસ કરી રહેલાં, મોતને સામે જોઇને ડરી ગયેલાં મુસાફરોને નવાઈ લાગી કે આ છોકરી આટલી શાંત કઈ રીતે બેસી શકે. એક સ્ત્રીએ તેને પૂછ્યું, ‘એ છોકરી, આટલું ભયંકર તોફાન છે, આપણી નાવ તોફાનમાં સપડાઈ ગઈ છે. જો નાવ ઊંધી થઇ જશે કે તૂટી જશે તો આપણે બધાં મરી જઈશું. કંઈ કહી શકાય તેમ નથી તો તને ડર નથી લાગતો? તું એટલી શાંત બેઠી છે કે જાણે આ તોફાનમાં તને કંઈ નહિ થાય.’

નાનકડી  છોકરી બિલકુલ ડર્યા વિના શાંતિથી બોલી, ‘હું શું કામ ડરું? આ નાવ મારા પિતા ચલાવે છે. તેઓ આ નાવના નાવિક છે અને મને ખબર છે મારા પિતાએ મને માતા વિના પ્રેમથી મોટી કરી છે અને તેઓ દરેક મુશ્કેલી અને પરેશાનીમાં મારી રક્ષા કરશે, મને બચાવશે, કોઈ મુશ્કેલી મારા સુધી નહીં આવવા દે. એટલે તેઓ આ તોફાનમાં પણ મને અને નાવને બચાવી લેશે. પછી હું શું કામ ડરું.’ બીજાં મુસાફરો તેની વાત સાંભળી થોડાં શાંત થયાં.

આ તો હતો એક દીકરીનો પોતાના પિતા પરનો વિશ્વાસ….. હવે આ જ વાતને ધ્યાનમાં લઇ વાત કરીએ આપણા બધાની…. આપણને ઈશ્વરે બનાવ્યા છે અને આ પૃથ્વી પર જન્મ આપ્યો છે એટલે આપણે બધાં ભગવાનનાં સંતાન છીએ અને તેઓ આપણા પરમપિતા….. આ સમજ શાસ્ત્રો, ધર્મજ્ઞાનીઓ આપે છે અને આપણે બધા તેમાં વિશ્વાસ ધરાવીએ છીએ અને એ પણ સત્ય હકીકત છે કે સંસાર એક સાગર છે અને આપણું જીવન એક નૌકા અને આ નૌકાના નાવિક ભગવાન છે. તો પછી જીવનમાં જયારે જયારે તકલીફો અને મુશ્કેલીઓનું તોફાન આવે. દુઃખોના વંટોળ વધે ત્યારે ડરવાની જરૂર નથી, કારણ ભગવાને આપણને આ જીવન આપ્યું છે અને તેઓ જ જીવનનૌકાના નાવિક છે તો તેમની પર પરમ શ્રધ્ધા અને વિશ્વાસ રાખો કે દરેક સંજોગોમાં તેઓ આપણી સાથે રહી, આપણી નાવના નાવિક બની જીવનનાં તોફાનોમાંથી આપણને બચાવશે. ઈશ્વર પર રાખો અટલ વિશ્વાસ.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts