નવી શિક્ષણ નીતિ સાર્થક અને જ્ઞાનલક્ષી શિક્ષણ આપવામાં સફળ રહેશે?

લાંબા સમય પછી દેશમાં નવી શિક્ષણ નીતિ રજૂ થઇ છે. આ નીતિને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે અને હવે ટૂંક સમયમાં બીજી ઔપચારિકતાઓ પછી આ નીતિ અમલમાં મૂકાઇ જશે એ સ્પષ્ટ છે પણ પ્રશ્ન એ છે કે આ શિક્ષણ નીતિ દેશના શિક્ષણ જગતની વર્તમાન મુશ્કેલીઓ દૂર કરવામાં અને શિક્ષણને વ્યાપક અર્થમાં અર્થસભર બનાવવામાં સફળ રહેશે ખરી? હાલ તો આ શિક્ષણ નીતિના ખાસ મુદ્દાઓની ટૂંકમાં જે માહિતી આપવામાં આવી છેે તેમાં અમુક બાબતો ખૂબ આવકાર્ય છે પણ કેટલીક ખાસ જરૂરી બાબતો ચુકી જવાતી હોય તેમ હાલ તો લાગેે છે.

નવી શિક્ષણ નીતિ સાર્થક અને જ્ઞાનલક્ષી શિક્ષણ આપવામાં સફળ રહેશે?

કેન્દ્રીય કેબિનેટ દ્વારા  નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે જેના મહત્વના પાસાઓમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, ડીગ્રી કોર્સીસ માટે એન્ટ્રી અને એક્ઝિટ માટે એકથી વધુ વિકલ્પો, એમફીલ પ્રોગ્રામોનો અંત, બોર્ડની પરીક્ષાઓનો ઓછો હિસ્સો, યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે સમાન પ્રવેશ પરીક્ષા વગેરેનો સમાવેશ થાય છે.

શિક્ષણ નીતિ ૧૯૮૬માં ઘડવામાં આવી હતી જેને ૧૯૯૨માં સુધારવામાં આવી હતી, જેના પછી તેમાં સુધારો કરવામાં આવ્યો નથી. કેન્દ્રીય મંત્રીમંડળે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરવાને પણ મંજૂરી આપી છે. નવી શિક્ષણ નીતિ ૨૦૨૦નો હેતુ ઉચ્ચ શિક્ષણમાં કુલ એનરોલમેન્ટનો રેશિયો વધારવાનો છે જેમાં વ્યવસાયિક શિક્ષણમાં પણ પ્રવેશનું પ્રમાણ વધારવાનો સમાવેશ થાય છે અને તેમાં ૨૦૧૮ના ૨૬.૩ ટકાથી ૨૦૩પ સુધીમાં વધારીને પ૦ ટકા કરવાનો હેતુ છે.

ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં ૩.પ કરોડ નવી બેઠકો ઉમેરવામાં આવશે એમ માનવ સંસાધન વિભાગના ઉચ્ચ શિક્ષણ સચિવ અમિત ખરેએ જણાવ્યું હતું. નવી શિક્ષણ નીતિમાં સૂચવાયેલા મહત્વના સુધારાઓમાં કાનૂની અને તબીબી કોલેજો સિવાય તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે એક સમાન નિયંત્રકની બાબતનો સમાવેશ થાય છે.

તમામ યુનિવર્સિટીઓ માટે એક કોમન એન્ટ્રન્સ એકઝામનો સમાવેશ થાય છે જે પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવશે. કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ હેઠળ તમામ ખાનગી અને સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે સમાન નિયમો લાગુ પાડવામાં આવશે.

કોલેજોનું એફિલિએશન ૧પ વર્ષમાં તબકકાવાર નાબૂદ કરવામાં આવશે અને કોલેજોને સ્વાયત્ત સંસ્થા બનાવવામાં આવશે. સમયાનુસાર દરેક કોલેજને પદવી આપતી એક સ્વાયત્ત સંસ્થા બનાવવમાં આવશે અથવા તો એક યુનિવર્સિટીની કોન્સ્ટિટ્યુઅન્ટ કોલેજ બનાવવામાં આવશે. એમ ખરેએ જણાવ્યું હતું. શાળા શિક્ષણ અંગે તેમણે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાઓનો હિસ્સો ઓછો રહેશે. શિક્ષણમાં ધ્યાન ટેસ્ટીંગના ખયાલો અને જ્ઞાન વૃદ્ધિ પર ધ્યાન આપવમાં આવશે.

તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે એક સમાન નિયંત્રકની વાત આવકાર્ય છે. વ્યવસાય લક્ષી શિક્ષણ પર વધુ ભાર આપવાની અને જ્ઞાન લક્ષી શિક્ષણને મહત્વ આપવાની બાબતો પણ આવકાર્ય છે. પણ ઘણા લાંબા સમયથી જે ભારવિહીન શિક્ષણની વાત ચાલે છે તેનો ખાસ ઉલ્લેખ જણાતો નથી.

ખાસ કરીને ગણિત જેવા વિષયોમાં પોંગા પંડિતો દ્વારા તૈયાર કરવામાં આવતા ઘણા  અટપટા અને નિરર્થક અભયાસક્રમોને બદલવાની જરૂર છે. આવા અતિમુશ્કેલ અને વ્યર્થ જેવા જણાતા અભ્યાસક્રમોને કારણે પણ સ્કૂલ ડ્રોપઆઉટનું પ્રમાણ વધે છે. નીચલા વર્ગોમાં માત્ર હાજરીના આધારે બાળકોને ઉપર ચડાવતા રહેવું, અને પાયો કાચો રહી જાય પછી ઉપલા વર્ગોમાં અતિભારે અભ્યાસક્રમ તેમના માથે ઝીંકી દેવો, આવી ઢંગધડા વગરની નીતિને કારણે શિક્ષણને ઘણુ નુકસાન થાય છે.

ખરેખર તો આ બધા મુ્દ્દાઓને યોગ્ય રીતે હાથ ધરીને સાર્થક અને વ્યવહારૂ શિક્ષણ બાળકોને મળી શકે તેવી શિક્ષણ નીતિની જરૂર છે. ઘણા બધા એવા મુદ્દાઓ શિક્ષણની બાબતમાં છે જેમને યોગ્ય રીતે હાથ ધરવાની જરૂર છે. આશા રાખીએ કે આ તમામ બાબતો પર ધ્યાન આપવામાં આવશે.

Related Posts