ઇજાગ્રસ્તને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો
ઘરની સામે રહેતા મહિલાએ પોતાના બે દીકરાઓ ઝઘડતા હોય તેઓને સમજાવવા યુવકને કહ્યું અને બે ભાઇઓએ યુવકને જ માર્યો
(પ્રતિનિધિ) વડોદરા તા. 11
શહેરના નવાપુરા બકરાવાડી ખાતે બે ભાઇઓ વચ્ચે ઝઘડો થતાં તેની માતાએ સામે રહેતા યુવકને બંને ભાઇઓને સમજાવવા જણાવતાં યુવક ઝઘડી રહેલા બે ભાઇઓને સમજાવવા ગયો હતો ત્યાં બંને ભાઇઓએ યુવકને અપશબ્દો બોલી માર્યો હતો સાથે જ એક ભાઇએ યુવકનો હાથ પકડી રાખ્યો હતો અને બીજાએ રીક્ષામાંથી ચપ્પુ જેવા તિક્ષણ હથિયારથી હૂમલો કરતા છોડાવવા ગયેલો યુવક ઇજાગ્રસ્ત થયો હતો સમગ્ર મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ભાઇઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા બકરાવાડી ખાતે ઝવેરીવાસમા ભાવિક સતીષભાઇ પરમાર રહે છે અને ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે તેઓ ગત સોમવારે મોડી રાત્રે દોઢેક વાગ્યે ઘરમાં ટી.વી.જોતા હતા તે દરમિયાન તેમના મકાનની સામે રહેતા મધુબેન સુનિલભાઇ પરમારે ભાવીકભાઇને જણાવ્યું હતું કે તેમના બે દીકરાઓ ગૌરાંગ અને નયન આપસમાં એકબીજા સાથે ઝઘડો કરે છે તો બંનેને સમજાવ જેથી ભાવિક ઝવેરીવાસ ના 2નંબરની ગલીના નાકા પાસે પહોચ્યો હતો જ્યાં બંને ભાઇઓ ઝઘડો કરી રહ્યા હતાં ભાવિકે બંનેને સમજાવવા જતાં બંને ભાઇઓ ભાવિક પર ઉશ્કેરાઇ ગયા હતા અને અપશબ્દો બોલી “તું અમારા ઝઘડામાં વચ્ચે કેમ પડે છે” તેમ કહી ઝપાઝપી કરી હતી આ દરમિયાન નયન પરમારે ભાવિકના બંને હાથ પકડી રાખ્યા હતા જ્યારે ગૌરાંગ પરમારે બાજુમાં ઉભેલી તેની સીએનજી ઓટોરિક્ષામાંથી ચપ્પુ જેવા તિક્ષણ હથિયારથી ભાવિકને પેટના ડાબા બાજુએ મારી દીધું હતું જેથી ભાવિકે બચાવ માટે બૂમાબૂમ કરતા ગૌરાંગ અને નયન ત્યાંથી ભાગી ગયા હતા આ દરમિયાન ભાવિકનો મિત્ર નિખીલ આવી ઇજાગ્રસ્ત ભાવિકને પોતાની એક્ટિવા પર બેસાડી એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર માટે લઇ ગયો હતો જ્યાં સારવાર દરમિયાન ભાવિક ભાનમાં આવતા બે ભાઇઓ વિરુદ્ધ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
