LCBએ નડિયાદ ટાઉન પોલીસ પર દયા કરી અને પોતે પકડેલો દારૂનો કેસ સોંપી દીધો
અગાઉ વહીવટદારના આશીર્વાદથી ચાલતી દેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી, ત્યાં જ હવે વિદેશી દારૂનો વેપલો પકડાયો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.16
નડિયાદ ટાઉન પોલીસ મથક પર દયા કરી અને વિદેશી દારૂનો આખો કેસ સોંપી લોકલ ક્રાઈમ બ્રાંચે લોકલ કોઓપરેટીવ બ્રાંચ જેવી કામગીરી કરી આપી હોવાની ચર્ચાઓ ઉઠી છે. વિગતો કંઈક એમ છે કે, થોડા મહિના પહેલા આંબાવાડીયા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ ટીમે દરોડો પાડી દેશી દારૂની ફેક્ટરી ઝડપી, આ ફેક્ટરી ઝડપાયા બાદ હવે ગત મોડી સાંજે લોકલ ક્રાઈમ બ્રાંચે જ્યાં ફેક્ટરી ઝડપાઈ હતી, ત્યાંથી નજીકના સ્થળે વિદેશી દારૂનો ક્વોલીટી કેસ ઝડપી પાડ્યો હતો, પરંતુ નડિયાદ ટાઉન પોલીસનું નાક કપાય તેવી સ્થિતિ ઉભી થતા અંદરો-અંદર ગોઠવણો કરી અને લોકલ ક્રાઈમ બ્રાંચે પકડેલો વિદેશી દારૂનો કેસ નડિયાદ ટાઉન પોલીસે પકડ્યો હોય, તે મુજબનો ગુનો દાખલ કરાવી લોકલ ક્રાઈમ બ્રાંચ આખા કેસમાંથી જ ખસી ગઈ હતી. બે દિવસ પહેલા જ સ્ટેટ મોનીટરીંગની ટીમે ટાઉન હદમાં વિદેશી દારૂ પકડ્યો અને ફરી લોકલ ક્રાઈમ બ્રાંચનો દરોડો સામે આવે તો ટાઉનના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટદારો સુધી રેલો પહોંચે તેવી સ્થિતિને ડામવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચે કોઓપરેટીવ બ્રાંચ જેવી કામગીરી કરી આપી હોવાની ચર્ચાઓ તેજ બની છે.
સોમવારે મોડી સાંજે નડિયાદ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ટાઉન પોલીસ હદ વિસ્તારમાં આવતા રાજેન્દ્રનગરની પાછળ રીંગ રોડ પરના પાટીયા વિસ્તારમાંથી એક ક્વોલીટી કેસ ઝડપી પાડ્યો હતો. અગાઉ આ વિસ્તારમાં રીંગ રોડની પેલી બાજુ આંબાવાડિયા વિસ્તારમાં નડિયાદ ટાઉન પોલીસના તે વખતના પી.આઈ. ચૌહાણ અને વર્ષોથી ગેરકાયદેસર વેપલાઓના વહીવટમાં સંકળાયાના આક્ષેપિત વહીવટદાર સુભાષ નાવીના નાક નીચેથી સ્ટેટ મોનીટરીંગની ટીમે સપાટો બોલાવી દેશી દારૂની ફેક્ટરી ઝડપી પાડી હતી. ત્યારે ગઈ મોડી સાંજે અચાનક લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ક્વોલીટી કેસ થાય તે મુજબનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો, આ બાબતની જાણ નડિયાદ ટાઉનના ઉચ્ચઅધિકારીઓ અને રીઢા વહીવટદારોને થઈ અને તાત્કાલિક આ કેસને પોતાના નામે ચઢાવી દેવા માટે ધમપછાડા શરૂ કરી દેવાયા હતા. જેના પગલે ક્યાંકથી નડિયાદ ટાઉન પોલીસનું નાક ન કપાય તે મુજબના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા અને આ મુજબનું સૂચન પણ મળ્યુ અને લોકલ ક્રાઈમ બ્રાંચે પકડેલો ક્વોલીટી કેસ નડિયાદ ટાઉન પોલીસ મથકને સોંપી દેવાની ફરજ પડી હોવાની ચર્ચા ઉઠી છે. એટલે લોકલ ક્રાઈમ બ્રાંચ તરીકે ફરજ બજાવતી LCBએ લોકલ કોઓપરેટીવ બ્રાંચની ભૂમિકા ભજવવાનો વખત આવ્યો હતો. આ બાદ નડિયાદ ટાઉન પોલીસે ધાર્યા મુજબ પોતાના જ એક પી.એસ.આઈ. એસ. બી. દેસાઈને ફરીયાદી બનાવ્યા અને સમગ્ર મામલે રાજેન્દ્રનગરની પાછળ આવેલા પાટીયા વિસ્તારમાંથી ટાઉન પોલીસે દારૂ પકડ્યો હોવાનું દર્શાવતી ફરીયાદ નોંધી અને આ ફરીયાદમાં 622 નંગ વિદેશી દારૂની 62,000નો મુદ્દામાલ ઝડપ્યો હોવાનું દર્શાવ્યુ છે. તેમજ એક આરોપી નરેશભાઈ ગોવિંદભાઈ તળપદાને સ્થળ પરથી ઝડપ્યો હોય અને આરોપી જીગ્નેશ લક્ષ્મણભાઈ તળપદા, મહંમદશોહેબ ઉર્ફે સૈયદબાપુ અનવરહુસૈન સૈયદ અને ભરત મોહન તળપદા ફરાર હોવાનું નોંધ્યુ છે. આ સમગ્ર મામલે જે ચર્ચાઓ ચોમેર ચાલી રહી છે, તે મુજબ નડિયાદ ટાઉનની હદમાં નવી મીલની સામે એક ચાલીમાં બે દિવસ પહેલા જ સ્ટેટ મોનીટરીંગની ટીમ ત્રાટકી હતી અને વિદેશી દારૂનો વેપલો ઝડપ્યો હતો. જેથી બે દિવસમાં જો ટાઉનની હદમાં જ અન્ય કોઈ સ્થળે પોલીસની અન્ય કોઈ વિભાગ ક્વોલીટી કેસ કરે તો નડિયાદ ટાઉન પોલીસ સામે પ્રશ્નાર્થ સર્જાય, તે સ્વાભાવિક હતુ. જેના કારણે ટાઉનના ઉચ્ચ અધિકારીઓથી માંડી વહીવટદારોએ નાક ન કપાય તે માટે આ ખેલ પાડ્યો હોવાની ચર્ચા છે. આ મામલે જો ડી.જી.પી. દ્વારા ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવવામાં આવે તો અનેક રહસ્યો પરથી પડદા ઉચકાય તેમ છે.
