દેશના લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું, પણ આરોગ્ય સુખાકારી નહીં

ભારતે ૧૯૯૦થી દેશના લોકોના અપેક્ષિત આયુષ્યમાં એક દાયકા કરતા વધુનો ઉમેરો કર્યો છે એમ એક અભ્યાસ જણાવે છે જેમાં વિશ્વના ૨૦૦ કરતા વધુ દેશો અને પ્રદેશોમાં મૃત્યુના ૨૮૬ કારણો અને ૩૬૯ રોગો અને ઇજાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અહેવાલ ખરેખર આનંદદાયક છે. દેશના લોકોના અપેક્ષિત આયુષ્યમાં બે દાયકા જેટલા સમયમાં પૂરા દસ વર્ષનો ઉમેરો થઇ ગયો તે આનંદની જ વાત હોય, પરંતુ આ અભ્યાસનું બીજું તારણ દુ:ખદ છે અને તે એ કે લોકોનું અપેક્ષિત આયુષ્ય તો વધ્યું છે એટલે કે ભારતના લોકો ૧૯૯૦ પહેલા જીવતા હતા તેના કરતા સરેરાશ લાંબુ જીવતા થયા છે પરંતુ આ લાંબુ આયુષ્ય તંદુરસ્તી ભર્યું નથી. ભારતમાં લોકો લાંબુ તો જીવે છે પરંતુ જાત જાતના રોગો અને શારીરિક તકલીફોથી પીડાતા પીડાતા જીવે છે એમ આ અભ્યાસનો અહેવાલ જણાવે છે  અને આ ખરેખર દુ:ખદ બાબત છે.

દેશના લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું, પણ આરોગ્ય સુખાકારી નહીં

અપેક્ષિત આયુષ્ય એ છે કે જે તે દેશમાં જન્મેલ એક વ્યક્તિ કેટલા વર્ષ જીવી શકશે તેની અપેક્ષા રાખી શકાય તેવું આયુષ્ય. બીજા શબ્દોમાં કહીએ તો દેશના લોકોનું સરેરાશ આયુષ્ય. આપણા દેશમાં ૧૯૯૦માં સાડા ઓગણસાંઠ વર્ષ જેટલું હતું તે ૨૦૧૯માં વધીને ૭૧ વર્ષ જેટલું થઇ ગયું છે. લાન્સેટ જર્નલમાં પ્રગટ થયેલ આ અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે ભારતમાં અપેક્ષિત આયુષ્ય (સરેરાશ વ્યક્તિ કેટલું જીવશે તેનો અંદાજ) ૧૯૯૦માં પ૯.૬ વર્ષ હતું તે ૨૦૧૯માં વધીને ૭૦.૮ વર્ષ થઇ  ગયું હતું, જેમાં કેરળમાં ૭૭.૩ વર્ષથી માંડીને ઉત્તર પ્રદેશમાં ૬૬.૯ વર્ષ સુધી વિવિધ રાજ્યોમાં જુદા જુદા આંકડા છે.

અલબત્ત, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના શ્રીનિવાસ ગોલી સહિતના સંશોધકોએ જણાવ્યું હતું કે ભારતમાં તંદુરસ્ત અપેક્ષિત જીવન એટલું વધ્યું નથી જેટલું અપેક્ષિત આયુષ્ય વધ્યું છે, જેમાં લોકો બિમારી અને પંગુતા સાથે વધુ વર્ષ જીવી રહ્યા છે. વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમના જણાવ્યા પ્રમાણે હાલમાં ક્રોનિક રોગોની વૈશ્વિક સમસ્યા અને જેને સારી રીતે અટકાવી શકાય તેવા પરિબળો જેવા કે હાઇ બ્લડ પ્રેશર, તમાકુનો ઉપયોગ અને હવાના પ્રદુષણ વગેરેને નાથવામાં જાહેર આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતાને કારણે લોકો આરોગ્યની કટોકટી જેવી કે કોવિડ-૧૯નું વધુ જોખમ ધરાવતા થયા છે. ભારત સહિતના લગભગ તમામ દેશોમાં આપણે જોઇએ છીએ કે ચેપી રોગોના પ્રમાણમાં ઘટાડો થયો છે અને શરીરમાં જડ ઘાલી જતા રોગોના પ્રમાણમાં વધુ વધારો થયો છે એમ આ અભ્યાસના સહ-લેખક અલી મોકદાદે જણાવ્યું હતું જેઓ અમેરિકાની યુનિવર્સિટી ઓફ વૉશિંગ્ટનમાં પ્રોફેસર છે. ભારતમાં માતાઓનો મૃત્યુદર ઘણો ઉંચો રહેતો આવ્યો હતો, પણ હવે તે નીચો આવ્યો છે.

કાર્ડીયોવસ્ક્યુલર રોગો પાંચમા ક્રમે રહેતા હતા તે હવે પહેલા ક્રમે છે, અને કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું. સંશોધકોએ ભારતનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે આ દેશમાં કુલ રોગોના ભારણમાં બિન-ચેપી રોગોનું પ્રમાણ હાલમાં પ૮ ટકા છે જે ૧૯૯૦માં ૨૯ ટકા હતું, જ્યારે આવા રોગોથી કસમયે થતા મૃત્યુનું પ્રમાણ તો આ સમયગાળામાં બમણા કરતા વધીને ૨૨ પરથી પ૦ ટકા થઇ ગયું છે. અભ્યાસમાં જણાયું છે કે ભારતમાં છેલ્લા ૩૦ વર્ષમાં આરોગ્ય બગાડવામાં સૌથી મોટો ફાળો બિન ચેપી રોગો જેવા કે હ્દયરોગ, ડાયાબિટીશ, સ્ટ્રોક, સ્નાયુની તકલીફોને લગતા રોગોનો છે. સંશોધકો નોંધે છે કે ૨૦૧૯માં ભારતમાં મૃત્યુ માટેના ટોચના જોખમી પરિબળો હવાનું પ્રદૂષણ, હાઇ બ્લડ પ્રેશર, તમાકુનો ઉપયોગ, નબળો ખોરાક અને હાઇ બ્લડ સુગર હતા.

સમજી શકાય તેવી બાબત છે કે ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય તો વધ્યું છે પણ આરોગ્ય સુખાકારી વધી નથી. વિશ્વના અન્ય દેશોની માફક જ ભારતમાં પણ ચેપી રોગોના પ્રમાણમાં ઘટાડો થયો છે પરંતુ આધુનિક યુગની દેન જેવા કેટલાક બિન ચેપી રોગોના પ્રમાણમાં મોટો વધારો થયો છે. ડાયાબિટીશ અને કાર્ડિયોવસ્ક્યુલર રોગો ઘણા વધ્યા છે તો કેન્સરનું પ્રમાણ પણ વધ્યું છે અને હજી વધી રહ્યું હોવાનુ કહેવાય છે. ભારતમાં વધતા ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે જીવન ભાગદોડભર્યું બન્યું છે અને આને કારણે હાઇ બ્લડ પ્રેશર અને હાર્ટની તકલીફોમાં વધારો થયો છે.

લોકોની બદલાયેલી જીવનશૈલીના કારણે જ કદાચ મધુપ્રમેહનું પ્રમાણ ભારતમાં વધ્યું છે તો બેફામ વધેલા પ્રદૂષણ, વ્યસનો, ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળને કારણે દેશમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે. રોજીંદા જીવન પર વિવિધ પ્રકારના કેમિકલોના સીધા કે આડકતરા પ્રભાવને કારણે કેન્સરનું પ્રમાણ વધ્યું છે અને હજી વધી રહેલું જણાય છે. જો દેશની પ્રજાના વધેલા આયુષ્યને આરોગ્યમય બનાવવું હોય તો તે માટે વ્યાપક લોકજાગૃતિ કાર્યક્રમો સહિતના વિવિધ પગલાઓ સરકારે મોટા પાયે ભરવા પડશે.

Related Posts