ગ્રામ્ય LCBએ કાર સંતાડેલી દારૂની 108 બોટલ કબજે કરી
વડોદરા ગ્રામ્ય એલ.સી.બી.નો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, એક સફેદ કલરની ડસ્ટર કારમાં વિદેશી દારૂનો જથ્થો છે. આ કાર સુરત, ભરૂચ અને વડોદરા થઇ વિરોદ ગામ તરફ જવાની છે. જેથી, પોલીસે દેણા ચોકડીથી વિરોદ ગામ તરફ જતા રોડ પર પઠાણ ફાર્મ હાઉસની પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે કાર અટકાવી હતી.
કારમાં હિતેશભારતી અશોકભારતી ગોસ્વામી (રહે. વ્રજનંદિની રેસિડેન્સી, કેનાલ રોડ, કામરેજ, સુરત, મૂળ રહે. ભાવનગર), રોહન ઉમેશભાઇ સાવલીયા (રહે. હરિવિલા સોસાયટી, કામરેજ, સુરત, મૂળ રહે. અમરેલી), જીજ્ઞોશ લક્ષ્મણભાઇ ઢોલરીયા (રહે.ક્રિષ્ણા પાર્ક સોસાયટી, કામરેજ, સુરત, મૂળ રહે. અમરેલી) અને ભાવેશગીરી દિનેશગીરી ગોસ્વામી (રહે.રાધિકા સોસાયટી, કામરેજ, સુરત, મૂળ રહે. ભાવનગર) બેઠા હતા. તેઓને નીચે ઉતારીને કારમાં ચેકિંગ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની ૧૦૮ બોટલ કિંમત રૂપિયા ૬૮,૦૪૦ ની કબજે કરી છે. આરોપીઓ ક્યાંથી દારૂ લાવ્યા હતા ? કોને આપવાના હતા ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
