Vadodara

દીપેન પટેલની હત્યામાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકંસ્ટ્રકશન કર્યું

પરિવાર દ્વારા આરોપીને ફાંસીની માંગ કરાઈ

(પ્રતિનિધિ) વડોદરા તા. 13

શહેરના દરજીપુરા ના આરટીઓની નંબર પ્લેટ લગાવવાનું કામ કરતો એજન્ટ દીપેન મુકેશભાઇ પટેલની ગુમ થયા બાદ પાંચમા દિવસે 70 કિલોમીટર દૂર કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી ડીકંપોઝ થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે તેની કાર મહિસાગર નદીમાંથી વિરુદ્ધ દિશામાં મળી આવી હતી. આ હત્યા કેસમાં પ્રેમપ્રકરણ બહાર આવ્યું હતું. સાથે જ ક્રાઇમબ્રાન્ચે આરોપી કે જે દીપેન પટેલના મકાનથી ત્રીજા ઘરે જ ભાડેથી રહેતો હતો તે હાર્દિક જ ગુનેગાર નિકળ્યો હતો.

*પોલીસે આરોપીના 10 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા*

પોલીસે આરોપી હાર્દિકને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જ્યારે આરોપી હાર્દિક પ્રજાપતિને હરણી પોલીસે મંગળવારે કોર્ટમાં રજૂ કર્યો હતો અને દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.



*પરિવારે હત્યારાને ફાંસીની સજા આપવાની માગ કરી અને સાથે સાથે હત્યામાં અન્ય ત્રણથી ચાર લોકો સંડોવાયેલા હોવાના આક્ષેપ કર્યો*


મૃતક દીપેન પટેલના પરિવારજનોએ સમગ્ર હત્યામાં આરોપી હાર્દિક પ્રજાપતિને ફાંસી સાથે ન્યાય આપવાની માંગ કરી હતી. પરિવારનો એક માત્ર દીકરો હતો જે પરિવારનું ગુજરાન ચલાવતો હતો.મિત્રે જ પ્રેમપ્રકરણ માં મિત્રની કરપીણ હત્યા કરી હોય હવે ઘરનો એકનો એક મુખ્ય આધાર છીનવાઇ જતાં માતા પિતા પત્ની અને બાળકીનો સહારો છિનવી લેનાર નરાધમ આરોપીને ફાંસીના માંચડે લટકાવી દેવાની માગ પરિવાર દ્વારા કરવામાં આવી હતી સાથે જ આ હત્યામાં હત્યારા હાર્દિક સાથે અન્ય ત્રણ જણની સંડોવણી હોવાની પણ પરિવાર દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને તપાસની માંગ કરાઇ છે.

*હરણી પોલીસ ખોટી દિશામાં તપાસ કરી રહી છે : મૃતકના પિતા*

દીપેનની હત્યા બાદ આરોપી હાર્દિક પ્રજાપતિ દીપેનને શોધવા માટે તેમના પિતા અને પત્ની સાથે રહીને શોધખોળ માટે સાથે રહેતો હતો અને પોલીસની કામગીરી પર નજર રાખતો હતો એક સમયે દીપેન સાથેની મિત્રતામાં એક જ થાળીમાં જમનાર હાર્દિક પ્રેમપ્રકરણમા એટલો તો અંધ બની ઝનૂની બની ગયો કે તેણે એક નાની દીકરીના પિતા, પરિવારના એકના એક સહારાની પણ દયા ન ખાધી અને અધમ કૃત્ય કરી દીધું હતું તથા પરિવાર અને પોલીસની સાથે દીપેનને શોધવાનું નાટક કરી રહ્યો હતો.મૃતક દીપેનના પિતાએ હરણી પોલીસની તપાસ કાર્યવાહી સામે આક્ષેપો કર્યા હતા જેમાં પોલીસ ખોટી દિશામાં તપાસ કરતી હોવાનું જણાયું હતું સાથે જ આ હત્યામાં અન્ય ઇસમોની સંડોવણી હોવાની આશંકા કરી છે.

Most Popular

To Top