દિલ્હીમાં જમાતમાં ગયેલા 24નો કોરોના પોઝિટિવ, FIRનો આદેશ

દુનિયાભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસની હજી સુધી કોઇ દવા કે વેક્સિન શોધવામાં આવી નથી. જે સારા થાય છે તે પણ ઓછા સંક્રમિત હોય છે તે જ સારા થાય છે. કોરોના સામે લડવાનો એક જ માત્ર ઇલાજ છે અંતર, એકબીજાથી અંતર રાખીને તેમજ સંપર્ક વિહોણા રહેવાના કારણે જ કોરોનાથી બચી શકાય છે. પરિસ્થિતિ આટલી ગંભીર હોવા છતાં લોકો જ્યાં ભીડ થવાની હોય ત્યાં જતા અચકાતા નથી. દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝ ભવન ખાતે આવો જ એક ધાર્મિક તાલિમનો કાર્યક્રમ યોજાયો હતો અને તેમાં 2500થી વધુ લોકો ભેગા થયા હતા. આ ભેગા થયેલા લોકોમાંથી સંખ્યાબંધ લોકોનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો જુદા જુદા રાજ્યોમાંથી આવ્યા હતા અને તેઓ તેમના ઘરે પહોંચી ગયા છે. એટલે અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. બીજો એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, મરકઝભવનમાંથી બહાર કાઢવામાં આવેલા 24 લોકોનો કોરોના પોઝિટિવ છે અને આ એટલી ગંભીર બાબત છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ત્યાં તાત્કાલિક અસરથી ઉચ્ચસ્તરીય બેઠક શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમનું આયોજન કરનાર તેમજ તેમાં ભાગ લેનારાઓ સામે એફઆઇઆરનો આદેશ આપી દીધો હોવાનું પણ જાણવા મળે છે.

Related Posts