: માતાના આત્મઘાતી પગલાના કારણે ત્રણ સંતાનો નિરાધાર થઈ ગયા
વડોદરા: કોલેજ કાળમાં સહાધ્યાયી મિત્રે ત્રણ સંતાનો ધરાવતી માતાને પ્રેમના પાઠ ભણાવ્યા. બે દાયકા બાદ પ્રેમ પ્રકરણની જાણ પરિવારજનોને થતા પરણીતાએ પાદરામાં રહેતી નણંદના ઘરમાં ઝેરી દવા ગટગટાવીને મોતની પછેડી ઓઢી લીધી.
ગાજરાવાડી નજીક પંપિંગ સ્ટેશન પાસે રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતા નિખીલ ઉર્ફે યોગેશ વિનાયકરાવ મલેટેના લગ્ન જંબુસરની પ્રિયંકા ઉર્ફે પીયુ (ઉમર વર્ષ ૩૫ ) સાથે 15 વર્ષ પહેલા થયા હતા. સુખી લગ્ન જીવન દરમિયાન બે પુત્રી અને એક પુત્રની માતા સાથે કોલેજમાં અભ્યાસ કરતા જંબુસરના મનીષ પઢિયારે મોબાઇલ પર સંપર્ક સાધીને પ્રેમ જાળ પાથરી હતી. જિલ્લા ઘણા સમયથી પરિણીતાનો મોબાઇલ સતત એન્ગેજ રહેતો હતો. પત્ની સાથે વાત કરવા પતિ જ્યારે ફોન કરે ત્યારે મોબાઈલ એન્ગેજ જ બતાવતો હતો. પખવાડિયા પૂર્વે પતિ એકાએક ઘરમાં આવી જતા પરિણીતાએ મોબાઈલ સંતાડવાનો પ્રયાસ કર્યો હતો. જે મોબાઈલ લઈને નિખિલે ચેક કરતા સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો. પોતાનું ઘર ન ભાંગે તે ઇરાદે પત્નીને આવું કૃત્ય ન કરવા સમજાવી હતી. તદ્દન શાંત અને સાલસ સ્વભાવના પતિએ પત્નીને વધુ સમજાવવા માટે પાદરા ખાતે રહેતી પોતાની પિતરાઈ બહેનના ઘરે લઈ ગયા હતા પરિવારજનો વચ્ચે ચર્ચા બાદ પરીણીતાને એકાએક મનમાં લાગી આવતા રસોડામાં જઈને ઉધઈ મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પરિવારજનોએ તુરંત બેભાન અવસ્થામાં પરીણીતાને ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરી હતી. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ પરીણીતાનું મોત નિપજ્યું હતું. મૃતકના પતિએ વારંવાર વેદના સાથે આપવીતી જણાવી હતી. ચોધાર આંસુ સાથે ડુસકા ભરતા યુવાને જણાવ્યું હતું કે મારી પત્નીના પ્રેમીએ જે પણ કંઈ પાપ કર્યું એ આ જન્મે જ ભોગવવું પડશે. મારા સંતાનોનો નિસાસો બહુ જ ખરાબ લાગશે.મારા ફુલ જેવા બાળકો ની માં છીનવાઈ ગઈ.નરાધમે લેસ માત્ર વિચાર ના કર્યો કે પ્રેમ પ્રકરણની જાણ થશે તો પરીણિતાની સમાજમાં બદનામી થશે ઉપરથી લગ્નની લાલચ આપીને સુખી લગ્ન જીવનના સોનેરી સપના બતાવ્યા હતા.
પાદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
