ડભોઇ : સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફે જતા ડભોઇ તિલકવાડા માર્ગ પર એરણ નદીના ભૂતિયા બ્રિજ પર મહારાષ્ટ્રના રત્નાગિરિથી આફૂસ કેરીનો જથ્થો ભરીને ડભોઇ તરફે આવતી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બ્રિજ પર જ પલટી ખાઈ ગઈ હતી. જો કે સદનસીબે ચાલક અને ક્લીનર ના બચાવ થયો હતો.જ્યારે આફૂસ કેરી ભરેલા કેરેટ પગ કરી ગયા હતા.

ડભોઇ તિલકવાડા માર્ગ પર આવેલા પહાડ ગમોડ પાસે એરણ નદીના બ્રિજ પર અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે.જેમા ફરી નવા અકસ્માતના બનાવનો ઉમેરો થવા પામ્યો છે. મહારાષ્ટ્રના રત્નાગિરિ થી આફૂસ કેરી ભરેલા કેરેટ લઈને ડભોઇ તરફ આવતી ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બ્રિજ પર આફૂસ કેરીની ટ્રક પલટી મારી હોવાનું જાણી રાહદારીઓ,વાહન ચાલકો સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો કેરી લેવા ઉમટી પડ્યા હતા.જેથી જોતજોતામાં લાખો રૂપિયાની કેરી પગ કરી ગઈ હતી. ટ્રક ચાલક ધ્વારા બનાવ ની ફરીયાદ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.
એરણ નદીનો બ્રિજ ભૂતિયા બ્રિજ તરીકે ઓળખાય છે
ડભોઇ તિલકવાડા માર્ગ પર પહાડ ગમોડ પાસે એરણ નદીના બ્રિજ પરથી નદીમાં વાહનો પડવાના બનાવ,તો ક્યાંક બ્રિજ પર અકસ્માતોના બનાવ તો પાસેના વિસ્તારમાં વાહનો ખોટકાઈ જતા હોવાના અસંખ્ય બનાવો બનતા આવ્યા છે.જેથી લોકો એ પ્રેતાત્માનો વાસ માનીને બ્રિજની બાજુમાં જ ભૂતમામાની ડેરી બનાવી દિધી છે.જ્યાં આજે પણ વાહન ચાલકો બીડી,સિગારેટ સળગાવીને મૂકે છે.
