Business

તબાહી એ હિમાલયનો હાહાકાર નહીં, ચિત્કાર છે

‘‘એ જુગજુગ જૂનો જોગી છે, શ્રુતિજૂનો સિદ્ધ છે, પુરાણપ્રસિદ્ધ પ્રભુ છે, વિશ્વકર્તા વિભુની વિરાજતી વિશ્વવંદ્ય વિભૂતિ છે. આયુર્વેદની અનંત ઔષધિઓનો તે અખૂટ ભંડાર છે, વિવિધ વનરાજીની બહારનો વિભૂષિત વિસ્તાર છે. અવનિમાં ઉચ્ચતમ પદ ધારણ કરી વ્યોમમાં વાતો કરતો આર્યભૂમિનો આ એકલકોટ અનુલ્લંઘનીય છે, અદ્વિતીય છે, અજોડ છે. એ શંકરપાર્વતીનું નિવાસસ્થાન છે. મહાકવિ કાલિદાસ કહે છે તેમ તે પૃથ્વીનો માનદંડ છે.’’ ‘‘તે આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશજનોનું સાંત્વન, ધર્મનું પિયર, મુમુક્ષુઓની અંતિમ દિશા, સાધકોનો આધાર, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે.’’

કશા સંદર્ભ વિના પણ વાંચનાર સમજી જશે કે આ વર્ણન બીજા કશાનું નહીં, પણ જેને આપણે ‘નગાધિરાજ’તરીકે ઓળખીએ છીએ એ હિમાલયનું છે. પ્રથમ વર્ણન ‘આર્યાવર્ત યાત્રા’પુસ્તકમાં છે, તો બીજું વર્ણન કાકાસાહેબ કાલેલકરે લખેલું છે. આ વર્ણન વાંચીને સમજાશે કે હિમાલયનું માહાત્મ્ય કેવું છે! અલબત્ત, આ વર્ષના જુલાઈ અને ઑગષ્ટ મહિનામાં હિમાલયના વિસ્તારમાં જે તબાહી અને તેને પગલે જાનહાનિ થઈ ત્યારે હિમાલયનું વિકરાળ સ્વરૂપ જોવા મળ્યું.

હિમાલયની વય માનવજાતના ઈતિહાસ કરતાં અનેકગણી વધુ છે. ત્રણેક કરોડ વરસ અગાઉ બે ભૂખંડની તબક્કાવાર થતી રહેલી અથડામણને કારણે હિમાલય અસ્તિત્વમાં આવ્યો હતો. આને કારણે એમ લાગે કે હિમાલયનું બંધારણ અતિ મજબૂત હશે. પણ પ્રકારની રીતે જોઈએ તો હિમાલયના ખડકો સાવ નરમ છે. તેને કારણે હિમાલય પથરાયેલો છે. એ સમગ્ર વિસ્તારનું પરિસ્થિતિવિજ્ઞાન પણ નાજુક અને નરમ છે. એવું નથી કે આ હકીકત કોઈ રહસ્ય હોય અને તેના વિશે કોઈ જાણતું ન હોય. ભૂસ્તરશાસ્ત્રના જીવંત સંગ્રહાલય જેવી હિમાલયની પર્વતમાળા બાબતે અનેક અભ્યાસ થતા રહ્યા છે. કુદરત અવારનવાર આ હકીકતની યાદ આપણને અપાવતી રહે છે, પણ આપણે તેને સતત અવગણતા રહ્યા છીએ.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યોનો મોટો વિસ્તાર પર્વતીય છે. આવું ભૂપૃષ્ઠ હોવાનો લાભ પણ આ રાજ્યોને મળે છે, એમ ગેરલાભ પણ તેને ભરપૂર થાય છે. હિમાલયના પર્વતોમાં સતત ઉથલપાથલ થતી રહેતી આવી છે, કેમ કે, તે ભૂવૈજ્ઞાનિક રીતે સક્રિય વિસ્તાર છે. આને કારણે નૈસર્ગિક ભૂસ્ખલનની અહીં નવાઈ નથી. ‘ઈસરો’ના ‘લેન્ડસ્લાઈડ એટલાસ ઓફ ઈન્ડિયા’મુજબ હિમાચલ પ્રદેશના તમામ બાર જિલ્લામાં ભૂસ્ખલનનું જોખમ છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ૨૦૨૦થી ૨૦૨૨નાં વરસોમાં અહીં ભૂસ્ખલનનું પ્રમાણ છ ગણું વધી ગયું છે. તેના કારણમાં મુખ્યત્વે વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલી વૃદ્ધિને મુખ્ય ગણવામાં આવે છે. એ વાત પણ સાચી છે કે દેશના અન્ય વિસ્તારોની સરખામણીએ હિમાલયના ક્ષેત્રનું સરેરાશ તાપમાન ઝડપથી વધી રહ્યું છે. તેને કારણે હિમશિલાઓ પીગળવા લાગી છે. આ ઉપરાંત ટૂંકા સમયમાં વરસી જતા અતિશય વરસાદનું પ્રમાણ વધ્યું છે. હિમાલયના વિસ્તારમાં વધતી જતી તબાહીના દોષનો સઘળો ટોપલો આમ, વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલી વૃદ્ધિને માથે નાખવામાં આવી રહ્યો છે.

સહેજ થોભીને વિચારવા જેવું છે કે હિમાલયના વિસ્તારમાં થતી તબાહીનું એકમાત્ર કારણ આ જ છે? દસેક વર્ષથી આ રાજ્યોમાં રોડને પહોળા બનાવવાનું કામ હાથ પર લેવાયું છે. હિમાચલ પ્રદેશમાં જ કુલ ૬૯ રાષ્ટ્રીય ધોરીમાર્ગને મંજૂરી આપવામાં આવી છે, જેમાંના પાંચ ધોરીમાર્ગો ચાર લેનવાળા છે. આ વિસ્તારના આર્થિક વિકાસ માટે સડકો અને ધોરીમાર્ગ જરૂરી છે, પણ એમ કરતાં પહેલાં આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ બાબતે સાવચેતી રાખવી ઘટે. આ પ્રકલ્પના અમલ પહેલાં તેની પર્યાવરણ પરની અસર વિશે અભ્યાસ થયા હશે, પણ તેનો અમલ કેટલે અંશે થયો હશે એ કહેવું મુશ્કેલ છે. રોડને પહોળા કરવાની કામગીરી વખતે તેની આસપાસના ઢોળાવોની જમીનની સ્થિરતા ચકાસવી જરૂરી છે. બાંધકામ દરમિયાન નીકળતા ભંગારના વ્યવસ્થાપન બાબતે ભાગ્યે જ કશું કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જ હિમાચલ પ્રદેશની વડી અદાલતે રાજ્યના પર્વતો પર થઈ રહેલા ‘અણઘડ ખનનકામ’તેમજ ‘ખરાબ રીતે બાંધેલી સડકો’બાબતે ગંભીર ચિંતા દર્શાવી હતી.

સ્વાભાવિકપણે જ આ મામલે અંગ્રેજોનો અભિગમ યાદ આવે. ઈ.સ.૧૮૮૦માં નૈનિતાલમાં ભયાનક ભૂસ્ખલન થયું હતું, જેમાં આશરે દોઢસો લોકોએ જાન ગુમાવવા પડ્યા હતા. તેમાં કેટલાક અંગ્રેજોનો સમાવેશ પણ થતો હતો. આ દુર્ઘટના પછી અંગ્રેજોએ બોધપાઠ લીધો. બ્રિટીશ ઈજનેરી અધિકારીઓએ તમામ વાંધાને અવગણીને બજેટમાં નાણાંની જોગવાઈમાં નોંધપાત્ર વધારો કર્યો. એ બાબત નોંધાયેલી છે કે અંગ્રેજ સિવિલ ઈજનેરોએ પોતાના અધિકારીઓ માટે સેવાનાં ઉચ્ચ ધોરણોને શિથિલ કરવા માટે ચોખ્ખી ના ભણી દીધી હતી. તેમણે જણાવેલું કે એ લોકોએ અતિ મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરવું પડે છે. તેઓ કાં કામ કરશે કે પછી બાંધકામમાં ઉતરતી કક્ષાની સામગ્રી વાપરશે. ટૂંકમાં, અંગ્રેજો આ વિસ્તારમાં બાંધકામની ગુણવત્તા બાબતે જરાય સમાધાન કરવા માંગતા નહોતા.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં બંધ, ટનલ, સડક, વીજમથકો સહિત વિકાસનાં અનેક કામો પૂરજોશમાં ચાલી રહ્યાં છે. આ ઉપરાંત આ રાજ્યોમાં પ્રવાસન પણ અતિ મહત્ત્વનું પરિબળ કહી શકાય. નવાઈની વાત એ છે કે સરકારી અધિકારીઓ તબાહી માટે વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિને જ કારણભૂત ગણે છે. વિકાસનાં કામ પણ તેને માટે જવાબદાર છે એ કોઈ બોલ્યું નથી કે બોલવા માગતું નથી. વિકાસ સાથે નાણાં સીધેસીધાં સંકળાયેલાં છે. પણ નાણાં કોઈ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં. પર્યાવરણને લગતી સમસ્યાનો તો હરગીજ નહીં. નક્કી આપણે કરવાનું છે કે આપણે આવક જોઈએ કે તબાહી? સરકાર અને નાગરિકો બન્નેએ આનો જવાબ વિચારવાનો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top