Vadodara

ડેસરના દવાખાનામાં દાખલ દર્દીને ભૂત વળગ્યું? પરિવારજનોએ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ સાથે મારામારી કરી

સારવાર અર્થે આવેલા દર્દીના પરિવારજનોએ આરોગ્ય કેન્દ્રના સ્ટાફને ધોઈ નાખ્યો
21 મી સદીમાં પણ ભૂતનો વહેમ યથાવત છે, તેવી ગ્રામ્ય વિસ્તારમાં ઘટના

વડોદરા: વડોદરા જિલ્લાના ડેસર માં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર પંથકમાં ભૂત પ્રેત અને ભુવા જાગરીયાઓ પર અર્ધ શિક્ષિત પ્રજા અનહદ વિશ્વાસ કરે છે. ગામમાં રહેતા યુવાનનું શુગર ગરમીના કારણે ઘટી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીના પરિવારજનોએ ભૂત વળગ્યું હોવાનો આક્રોશભેર શોરબકોર મચાવીને તબિબ સહિતના સ્ટાફને ગડદાપાટુનો માર માર્યો હતો. હિંસક ઘટના બાદ સારવાર હેઠળના દર્દીનું મોત નિપજ્યું હતું. જેના કારણે મામલો વધુ ગરમાયો હતો.આખરે હોસ્પિટલમાં તોફાન મચાવીને તબિબોની ફરજમાં રૂકાવટ બદલનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડેસર પોલીસ મથકમાં પ્રશાંતકુમાર પ્રેમાનંદપ્રસાદ વર્માએ નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતું કે તેઓ એક વર્ષથી ડેસરના સામુહિક આરોગ્ય ખાતે ફરજ બજાવે છે. 13, મે ના રોજ તેઓ ડો. સંતોષબેન મુકેશભાઇ કોળી, સ્ટાફ બ્રધર્સ પારસકુમાર અરવિંદભાઇ પંડ્યા અને સફાઇ કર્મી શિલ્પાબેન પરમાર અને મમતાબેન પરમાર ફરજ પર હાજર હતા. દરમિયાન સવારે 5 – 15 કલાકે દર્દી રમેશભાઇ રતિલાલભાઇ રોહિતને (રહે. શિહોરા, ડેસર) તેમના પરિવારજનો સારવાર અર્થે લાવ્યા હતા. તેમનું શુગર ઓછું હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને લવાયા હતા. ત્યાર બાદ દવાખાનામાં દર્દીની સારવાર શરૂ કરવામાં આવી હતી. અને બોટલ ચઢાવવામાં આવ્યા હતા. બ્લડ શુગરની સારવાર સાંજ સુધી ચાલતા દર્દીની હાલત સુધારા પર જણાઈ હતી. તે અરસામાં તેમના સગા જીતુભાઇ નારણભાઇ રોહિત દવાખાને આવ્યા હતા. તારા શરીરમાં ભૂત પેંસી ગયું છે તેવો રમેશભાઈ પર વહેમ વ્યક્ત કરતા બોલાચાલી થઈ ગઈ. દર્દીના વોર્ડમાં વ્યાપક શોરબકોર મચી જતા રમેશભાઇની તબિયત બગડી હતી. ફરજ પરના તબીબે તેમને સીપીઆર અને ઇન્જેક્શન આપવાનું ચાલુ કર્યું હતું. ભૂત પ્રેતના વહેમમાં રાચતા જીતુભાઇ રોહિત ઉશ્કેરાઈ ગયા હતા અને સ્ટાફ બ્રધર્સ પારસકુમાર પંડ્યા, ડો. સંતોષબેન કોળી ઉપર આકસ્મિક હુમલો કરીને ઉપરા-છાપરી લાફા મારતા નાસભાગ મચી ગઈ હતી. હુમલાખોરે એવી ધમકી આપી કે દર્દીની સારવાર કરવાની નહીં, જો કરશો તો જાનથી મારી નાંખીશ. બાદમાં તે ત્યાંથી જતા રહ્યા હતા.
મારામારીનો મામલો ઠંડો પડે તેના ગણતરીના સમય બાદ સારવાર હેઠળના દર્દી રમેશભાઇ રોહિતનું એકાએક મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના વાલી-વારસોને કાર્યવાહી કરવાનું જણાવતા તેમણે ટાળ્યું હતું. નોંધ કરીને મૃતકનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ ઉભી કરી, તેમના પર હુમલો કરવાના ગુનામાં જીતુભાઇ નારણભાઇ રોહિત (રહે. નવા શિહોરા, ડેસર) વિરૂદ્ધ ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Most Popular

To Top