ડભોઇ: ડભોઇ તાલુકાના ગોજાલી ગામે નદીવાળા ફળિયામાં રહેતા દંપતી વચ્ચે વિશ્વાસઘાત અને આડા સબંધોની શંકાને લઈ ખટરાગ ઉભો થવા પામ્યો હતો.જેમાં ચાર દિવસ અગાઉ અડાળામાં સુઈ રહેલી પત્નિ ને પતિ ધ્વારા દંડાથી બેરહેમી પૂર્વક માર મરાયો હતો.જે બાદમાં યોગ્ય સારવાર ના અભાવે આજરોજ તેનું મોત નિપજતા બનાવ ની ડભોઇ પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી લાશ ને પી.એમ.અર્થે મોકલી આપી હતી. હત્યાના ગુન્હાની ફરીયાદ આધારે આરોપીને ઝડપી કસ્ટડી ભેગો કરાયો છે.નાનકડા ગામમાં હત્યાના બનાવ થી ચકચાર મચી જવા પામી હતી.
ડભોઇના ગોજાલી ગામે નદીવાળા ફળિયામાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે ઝીણાભાઈ રેવલભાઈ વસાવા ઉ.વ.43 મહેનત મજૂરી કરી જીવન ગુજારે છે.જેને પરીવારમાં પત્ની રાધાબેન પ્રકાશભાઈ ઉર્ફે ઝીણાભાઈ વસાવા અને સંતાનમાં એક પુત્ર છે..દંપતી વચ્ચે અવારનવાર શંકાસ્પદ બાબતોને લઈ ઝઘડા થતા હતા.તેવામાં પતિએ માનસિક પિત્તો ગુમાવ્યો હતો.અને એ સાથે જ વિશ્વાસના સબંધો નો પણ અંત આવી ગયો હતો.
જેથી ગત તા – 01/07/2025 ની રાત્રી ના ઘર ની અડાળી માં સુઈ રહેલી પત્નીને ડંડા વડે બેરહેમી પૂર્વક માર માર્યો હતો.જેથી તેના ડાબા હાથે,બરડા માં અને બંને પગો માં ઉઝરડા પડી જવા સાથે શરીરની એનર્જી સમાપ્ત થઈ ગઈ હતી.અમાનુષી મારથી ઉભી ના થઈ શકતા ચાર દિવસ સુધી દર્દ થી કણસતી પત્નિ નું સારવારના અભાવે મોત નીપજ્યું હતું.બનાવની જાણ ગામ લોકોને થયા બાદ પોલીસ સુધી પહોંચી હતી.જેથી ગોજાલી ગામે જઈ dysp આકાશ પટેલ,પી.આઈ.ઝાલા સહિત પોલીસ સ્ટાફ ગોજાલી દોડી ગયા હતા.અને લાશ નો કબજો મેળવી પી.એમ.અર્થે ડભોઇ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી ફરીયાદ આધારે પતિ સામે હત્યાનો ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરેલ છે.
