Devgadh baria

“જનતાના પૈસે પૂર્વ મંત્રીના ઘરની દિવાળી સફાઈ?” ફાયર બ્રિગેડના ઉપયોગે ઊભા કર્યા સવાલો

સરકારી ફાયર બ્રિગેડના પાણી-ડીઝલથી ખાનગી સફાઈનો આક્ષેપ, જાહેર સંસાધનોના ઉપયોગ અંગે જવાબદારી નક્કી કરવાની માંગ

દાહોદ: દેવગઢ બારિયા નગરપાલિકાના ફાયર બ્રિગેડના કથિત ખાનગી ઉપયોગને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. સામે આવેલા એક વીડિયોમાં ફાયર બ્રિગેડના સાધનોનો ઉપયોગ કરીને એક નિવાસસ્થાનની બહાર પાણીનો મારો ચલાવી સફાઈ કરવામાં આવતી જોવા મળે છે. મળતી માહિતી મુજબ આ સ્થળ પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડનું ધાનપુર-પીપેરો વિસ્તારમાં આવેલું નિવાસસ્થાન હોવાનું જણાવાઈ રહ્યું છે.

દિવાળી સફાઈ માટે સરકારી તંત્રનો ઉપયોગ?

મળતી માહિતી પ્રમાણે દિવાળી પૂર્વે ઘરની બહાર સફાઈ કરવા માટે દેવગઢ બારિયા નગરપાલિકાનું ફાયર બ્રિગેડ મોકલવામાં આવ્યું હતું. આ કામગીરી નગરપાલિકા પ્રમુખ ધર્મેશ કલાલની સૂચનાથી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને સમગ્ર મામલે નગરપાલિકા તંત્રનો સ્પષ્ટ ખુલાસો હજુ જરૂરી છે.

સરકારી ડીઝલ અને જાહેર નાણાંનો ખર્ચ—જવાબદાર કોણ?

જો ફાયર બ્રિગેડનો ઉપયોગ ખરેખર ખાનગી સફાઈ માટે કરવામાં આવ્યો હોય, તો સરકારી વાહન, ડીઝલ, પાણી અને કર્મચારીઓના સમયના ઉપયોગ અંગે જવાબદારી નક્કી થવી જરૂરી છે. જાહેર હિત માટે ઉપલબ્ધ ફાયર બ્રિગેડનો ઉપયોગ ખાનગી કામગીરી માટે કેવી રીતે અને કોની મંજૂરીથી થયો તે મુદ્દે હવે પારદર્શક તપાસની માંગ ઊઠી રહી છે.
રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top