Business

‘જગન્નાથ સ્વામી નયન પથ ગામી ભવ તુમે’…

પ્રભુના દરેક ભક્તના મનમાં એ જાણવાની ઉત્સુકતા હોય છે કે આખરે શા માટે સ્વયં જગતપિતા જગતના નાથ ભક્તોને દર્શન દેવા નીકળે છે ? એ પણ રાધારાણી કે પટરાણી રુકમણી સાથે નહીં અને બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે? ઓરિસ્સાના પુરીમાં વિશાળ જનમેદની વચ્ચે નીલ માધવની રથયાત્રા નીકળે છે. ભગવાન અને ભક્તની ભાવયુક્ત મિલન યાત્રા એવી રથયાત્રા વિશે ગર્ગસંહિતામાં ઉલ્લેખ છે. કૃષ્ણની 16 હજાર રાણીઓએ બલભદ્રની માતા રોહિણીને પુછ્યુ કે અમે સ્વરૂપવાન હોવા છતાં શા માટે કૃષ્ણ રાધાને જ પ્રેમ કરે છે? રોહિણી માતાએ રાણીઓનો આ પ્રશ્નને સાંભળીને  કહ્યુ કે કૃષ્ણ અને બલરામ હાલ દ્વારકા નગરીની બહાર ગયા છે જો તમે તેમને મહેલમાં ન પ્રવેશવા દો તો વાત કહું.

– કહેવાય છે કે કૃષ્ણ અને બલરામને મહેલમાં પ્રવેશતા રોકવા રાણીઓએ સુભદ્રાજીને દરવાજે ઉભા રાખ્યા પરંતુ સુભદ્રાજીને વાર્તા સાંભળવાની ઉત્સુકતા જાગી જેથી તેઓ દરવાજે કાન દઇ કથા સંભાળતા હતા. પરંતુ કથા સાંભળતા સાંભળતા સુભદ્રાજી ભાવવિભોર થઇ ગયા. એટલામાં કૃષ્ણ અને બલરામ આવ્યા. સુભદ્રાએ તે બંનેને રોક્યા તો ખરા પરંતુ કક્ષમાંથી આવી રહેલા શબ્દો કાને પડતા બલરામ અને સ્વંય પૂર્ણપુરુષોત્તમ કૃષ્ણ પણ ભાવુક થઇ ઊઠ્યા. પોતાની બાળલીલા સાથે સંકળાયેલ ગોકુળ અને મથુરાનું સ્મરણ થતા તેમની આંખો પણ સજળ થઇ ગઇ. શ્રી કૃષ્ણ, બલભદ્રજી અને સુભદ્રાજી દ્વારની બહાર જ હતાં. ત્યાં જ નારદમુની આવ્યા. તેમણે ભગવાનનું આ સ્વરૂપ જોઇ તેમના દર્શન કર્યા. ભક્તોને પણ ભાવયુક્ત આ સ્વરૂપના દર્શન આપવાની અરજ કરી. ત્યારે શ્રી કૃષ્ણએ ત્રેતાયુગમાં આ સ્વરૂપ ભક્તોને બતાવવાનું વચન આપ્યું. ત્યારથી પોતાના વચનને પાળવા માટે જગતનાનાથે નગરચર્યા કરવી શરૂ કરી.

સુભદ્રાજી સાથે જોડાયેલી માન્યતા
કહેવાય છે કે એકવાર સુભદ્રાજીએ તેમના બંને ભાઇઓ શ્રીકૃષ્ણ અને બલભદ્રને દ્વારકા નગરી ફેરવવા માટે આજીજી કરી. ત્યારે બહેનની આ માંગ સંતોષવા બંને ભાઇઓએ રથમાં સવાર થઇ સુભદ્રાજીને વચ્ચે રાખી સમગ્ર દ્વારકા નગરીમાં સફર કરાવી. બસ ત્યારથી જ દર વર્ષે બંને ભાઇઓ આ જ રીતે બહેનને લઇને વર્ષમાં એકવાર નગરચર્યા માટે નીકળતા હોવાનું મનાય છે. કંસના વધ સમયે કૃષ્ણરથ પર અસ્વાર થઇ નગરચર્યા એ નીકળ્યા અને રથયાત્રા સાથે એ ક્ષણ જોડાઇ ગઇ. આ જ પ્રમાણે જ્યારે કંસના વધ બાદ કૃષ્ણ અને બલરામ મથુરા નગરીના દર્શને નીકળ્યા હતાં. ત્યારથી એ દિવસ રથયાત્રા તરીકે પ્રચલિત થયો હોવાની પણ એક લોકવાયકા છે.

ભગવાનનો ભક્ત પ્રત્યેનો પ્રેમ
રથયાત્રા શરૂ થવાની અન્ય એક માન્યતા એ પણ છે કે શ્રી કૃષ્ણ પોતે ભક્તોને દર્શન દેવા નગરચર્યાએ નીકળે છે. ભગવાને લીધો ભક્તોને મળવાનો નિર્ણય. કારણ કે પ્રભુના અનેક ભક્તો અપંગ અને વિકલાંગ છે. પ્રભુના આવા ભક્તો મંદિર સુધી જવા માટે અસમર્થ છે. તેઓ તો ભગવાનના દર્શનાર્થે જઈ શકતા નથી. તેવા ભક્તોને મળવા ભગવાનએ ખુદ દર્શન દેવા જવાનું નક્કી કર્યું. જે માટે અષાઢી બીજના દિવસે સ્વંય ભગવાન મંદિર બહાર નીકળી રથ આરૂઢ થઇ ભક્તોના દ્વારે પહોંચી તેમને દર્શન આપે છે. આ જ પ્રથા આજે અવિરતપણે ચાલું છે.

અક્રૂરજી સાથે જોડાયેલી માન્યતા
ભગવાનના ભક્ત પ્રત્યેના પ્રેમની કથા તો આજે પણ ગવાય છે. પરંતુ રથયાત્રાના પ્રારંભની માન્યતાઓમાં કૃષ્ણજીવનની એ પળ પણ જોડાયેલી છે. રથયાત્રા સાથે સંકળાઈ આક્રુરજીની કથા જેમાં અક્રુરજીનો ઉલ્લેખ છે. એ તો સૌ કોઇ જાણે છે કે કૃષ્ણનું કાસળ કાઢી નાખવાના હેતુથી કંસે કૃષ્ણને લેવા અક્રુરજીને રથ લઇને ગોકુળ મોકલ્યા હતા. કૃષ્ણ અને બલભદ્ર અક્રુરજીની સાથે મથુરા જવા નીકળ્યા. ત્યારથી રથયાત્રા શરૂ થઇ હોવાનું મનાય છે.
-વ્યોમા સેલર

Most Popular

To Top