વોર્ડ નં. 8માં VMCની લાલ આંખ: લારી-ગલ્લા ખસેડી રોડ ખૂલ્લા કરાતા રાહત; શહેરમાં ફૂટપાથ પરના દબાણો સામે તંત્ર ક્યારે સકંજો કસશે?
વડોદરા : શહેરમાં ગેરકાયદે દબાણોનો વ્યાપ વધી રહ્યો છે, જેના કારણે રાહદારીઓ માટે ફૂટપાથ પર ચાલવું પણ મુશ્કેલ બન્યું છે અને ટ્રાફિક જામની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં, વોર્ડ નં. 8માં આવેલા ગોરવા શાકમાર્કેટ સામેની ગેરકાયદે લારીઓ અને ગલ્લાઓ પર કડક કાર્યવાહી કરી છે અને રોડ-રસ્તા ખુલ્લા કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરમાં ઠેર-ઠેર ‘બિલાડીના ટોપની જેમ’ ગેરકાયદે દબાણો ખડકાઈ રહ્યા છે. આ દબાણો ફૂટપાથને સંપૂર્ણપણે રોકી દે છે, જેનાથી રાહદારીઓને ફરજિયાતપણે રોડ પર ચાલવું પડે છે. પરિણામે, રોડ રસ્તાઓ સાંકડા થઈ જાય છે અને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.

સ્થાનિક નાગરિકો તરફથી ગોરવા શાકમાર્કેટ સામેના વોર્ડ નં. 8માં ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો અંગે પાલિકા તંત્ર સમક્ષ અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં લઈને, તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવા માટે નક્કર પગલાં લેવામાં આવ્યા હતા.

કાર્યવાહીના ભાગરૂપે, પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ તંત્ર અને એસઆરપીના ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે તરત જ ગેરકાયદે ખડકાયેલા તમામ લારી-ગલ્લાના દબાણોને હટાવી દીધા હતા. તંત્રની આ ઝુંબેશના પરિણામે, લાંબા સમયથી દબાણ હેઠળના રોડ-રસ્તા આખરે ખુલ્લા થયા હતા, જેનાથી ટ્રાફિક અને રાહદારીઓની સમસ્યામાં રાહત થવાની શક્યતા છે. તંત્ર દ્વારા આ પ્રકારની કાર્યવાહી અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રાખવામાં આવે તેવી લોકમાગ ઊભી થઈ છે.