Vadodara

ગોરવા તલાટી કચેરીમાં તાળા, ઘણાં દિવસો સુધી ધક્કા ખાવા છતાં કામ ન થતાં અરજદારોમાં ભારોભાર રોષ

સરકારી કામ માટે આવતા નાગરિકો લાચાર, ગોરવા તલાટી કચેરીમાં તલાટીની ગેરહાજરીથી અરજદારો પરેશાન

(પ્રતિનિધિ), વડોદરા. તા.૫

શહેરના ગોરવા વિસ્તારની તલાટી કચેરીમાં સરકારી કામકાજ અર્થે આવતા સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ અને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. કચેરીમાં તલાટીની અનિયમિતતા અને ગેરહાજરીના કારણે અરજદારોને ઘણાં દિવસો સુધી ધક્કા ખાવા છતાં પોતાના જરૂરી કામો પૂર્ણ ન થતા લોકોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે એક સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા દિવસોથી તલાટી કચેરીના અવારનવાર ચક્કર કાપી રહ્યા છે, પરંતુ તેમનું કામ થતું નથી. તલાટી કચેરીમાં હાજર ન હોવાના કારણે ત્યાં ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા કોઈ સંતોષકારક જવાબ કે યોગ્ય રિસ્પોન્સ પણ આપવામાં આવતો નથી, જેના કારણે સામાન્ય પ્રજા પાયાની સેવાઓ મેળવવા માટે પણ લાચાર બની ગઈ છે.

આ સાથે જ પોતાની વ્યથા વ્યક્ત કરતા એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે તે પરીક્ષાઓની તૈયારી કરી રહી છે અને ફોર્મ ભરવા માટે જરૂરી દાખલા કઢાવવાના હોવાથી તે ગત બુધવારથી કચેરીના ધક્કા ખાઈ રહી છે. કચેરીના સ્ટાફ દ્વારા તેને સોમવારે આવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ સોમવારે કચેરીએ પહોંચતા ત્યાં તાળું જોવા મળ્યું હતું. સમયસર જરૂરી દસ્તાવેજો કે દાખલો ન મળવાના કારણે તેનું ભવિષ્ય અસરગ્રસ્ત થવાની પૂરી સંભાવના છે. જો તલાટી નિયમિત રીતે પોતાની ફરજ પર હાજર ન રહી શકતા હોય, તો તેમની જગ્યાએ તાત્કાલિક ધોરણે અન્ય અધિકારીની ફાળવણી કરવામાં આવે તેવી માંગ પણ તેણે ઉચ્ચારી હતી.

અન્ય એક મહિલા અરજદારે પણ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૪ થી ૫ દિવસથી સતત કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. સોમવારે ખાસ બોલાવવામાં આવ્યા હોવા છતાં કચેરી પર તલાટી ગેરહાજર મળ્યા હતા, જેના કારણે તેમનું કામ અધ્ધરતાલ રહી ગયું છે. રોજબરોજની મજૂરી કે નોકરીની રજા પાડીને તેમજ ખિસ્સામાંથી આવવા-જવાનો ખર્ચ કરીને કચેરીએ પહોંચવું પડે છે, છતાંય હાથમાં કશું જ ન આવતા નાગરિકો અત્યંત પરેશાન થઈ ગયા છે.

આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોએ સંબંધિત ઉચ્ચ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે કે કચેરીમાં જવાબદાર અધિકારીઓની નિયમિત હાજરી સખ્તાઈથી સુનિશ્ચિત કરવામાં આવે અને સામાન્ય લોકોના સરકારી કામો સમયસર પાર પડે તેવી પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવે.

Most Popular

To Top