દર્દીઓ અને સગાઓ ગરમીમાં પરેશાન

દર્દીઓ અને તેમના સગાઓને કાળઝાળ ગરમીમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે; ડોકટરોના કેબિનમાં સુવિધાઓ ચાલુ, જ્યારે તાત્કાલિક સારવાર વિભાગમાં AC લાંબા સમયથી બંધ છે. દર્દીઓના સગાઓએ સુવિધા સુધારવાની માંગણી કરી છે.
વડોદરાની ગોત્રી જનરલ હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં છેલ્લા ઘણા સમયથી એર કંડિશનર યુનિટ્સ બંધ છે, જેના કારણે દર્દીઓ અને તેમના સગાઓને કાળઝાળ ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં પરસેવાથી રેબઝેબ થઈ રહેલા દર્દીઓને પૂરતી અને આરામદાયક સારવાર મળવામાં મુશ્કેલી પડી રહી છે.

દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં, હોસ્પિટલ તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં, આશ્ચર્યજનક રીતે ડોકટરોના કેબિનમાં AC ચાલુ હાલતમાં જોવા મળે છે, જ્યારે ગંભીર પરિસ્થિતિમાં આવેલા દર્દીઓ ગરમીથી પરેશાન છે. આ સ્થિતિ દર્દીઓ અને તેમના સગાઓમાં ભારે રોષ જગાવી રહી છે અને હોસ્પિટલની ગેરવ્યવસ્થા અને બેદરકારીને ઉજાગર કરે છે.

દર્દીઓના સગાઓનું કહેવું છે કે, “આટલી મોટી સરકારી હોસ્પિટલમાં જો તાત્કાલિક સારવાર વિભાગમાં જ પાયાની સુવિધા જેવી કે AC પણ ઉપલબ્ધ ન હોય તો દર્દીઓને કેવી રીતે સારી સારવાર મળી શકે?” હોસ્પિટલ સત્તાવાળાઓ તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ AC રિપેર કરાવે અને દર્દીઓને હાલાકીમાંથી મુક્ત કરે તેવી તીવ્ર માંગણી ઉઠી રહી છે.
