વડોદરામાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી, મદન ઝાંપા રોડ પર દારૂની હેરાફેરીનો વિડીયો વાયરલ
( પ્રતિનિધિ ) વડોદરા, તા.29
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂનું વેચાણ અને હેરાફેરી અટકવાનું નામ નથી લેતી. ત્યારે, હવે મહિલાઓ પણ દારૂના વેપલાના હાંસિયામાં ધકેલાઈ હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. શહેરના મદન ઝાંપા રોડ પર દારૂની હેરાફેરીનો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા.
તાજેતરમાં ભાવનગરમાં થયેલા ગંભીર લઠ્ઠાકાંડ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા દારૂ પર કડક પ્રતિબંધ અને કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં બુટલેગરોમાં પોલીસનો કોઈ ડર જોવા મળતો નથી. ત્યારે, વડોદરા શહેરના મદન ઝાંપા રોડ પર આવેલ ચીમનભાઈ દવાખાનાની ગલીમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરતી એક યુવતી મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી. એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે, જેમાં સ્પષ્ટ રીતે દારૂની બોટલો એક વાહનમાંથી અન્યત્ર હેરાફેરી કરતી જોવા મળી રહી છે. દિવસે દહાડે અને ભરચક વિસ્તારમાં આ રીતે ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.